જર્મનીમાં રવિવાર, 26 જૂને કમ્યુનિટી ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. (ANI Photo/ PIB)

જી-સેવન દેશોના શિખર સંમેલનમાં હાજરી આપવા જર્મનીના મ્યુનિકમાં પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધન કર્યું હતું. મોદીએ તેમના સંબોધનમાં ભારતની ઇમર્જન્સી વખતની સ્થિતિ તથા તેમના શાસનકાળ હેઠળ ભારતમાં થયેલા વિકાસની વિગતો આપી હતી. જર્મનીમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા.

ભારતમાં ૧૯૭૫માં લદાયેલી ઇમર્જન્સીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે જે લોકશાહી આપણું ગૌરવ છે, જે લોકશાહી દરેક ભારતીયોના ડીએનએમાં છે, આજથી ૪૭ વર્ષ પહેલા આ સમયે તે લોકશાહીને બંધક બનાવી તેને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકશાહીને કચડી નાખવાના તમામ કાવતરાનો જવાબ ભારતની જનતાએ લોકશાહી માર્ગે આપી દીધો છે.

ભારતની વૃદ્ધિગાથાની વિગતો આપતા મોદીએ જણાવ્યું હતું કે કરોડો ભારતીયોએ સાથે મળીને મોટા લક્ષ્યો હાંસલ કર્યા છે, તે અભૂતપૂર્વ છે. આજે ભારતનું દરેક ગામ ખુલ્લામાં શૌચ મુક્ત છે. આજે ભારતના દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. આજે ભારતના લગભગ દરેક ગામ રોડ દ્વારા જોડાયેલો છે. ભારતના 99 ટકાથી વધુ લોકો પાસે સ્વચ્છ રસોઈ માટે ગેસ કનેક્શન છે. ભારતમાં દરેક પરિવાર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલો છે. આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા મળી રહી છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબોને મફત અનાજ સુનિશ્ચિત કરી રહ્યું છે. એટલું જ નહીં, ભારતમાં દર 10 દિવસે સરેરાશ એક યુનિકોર્ન બને છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે 21મી સદીનું ભારત, ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં, ઇન્ડસ્ટ્રી 4.0 માં, પાછળ રહેનારાઓમાંથી એક નથી, પરંતુ આ ઔદ્યોગિક ક્રાંતિના નેતાઓમાંનો એક છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડીજીટલ ટેકનોલોજીમાં ભારત પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે. આજે ભારતમાં 90 ટકા વયસ્કોને રસીના બંને ડોઝ મળી ચુક્યા છે. 95 ટકા વયસ્કો એવા છે જેમણે ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે. આ એ જ ભારત છે, જેના વિશે કેટલાક લોકો કહેતા હતા કે 1.25 અબજની વસ્તીને રસીકરણ કરવામાં 10-15 વર્ષ લાગશે.

જર્મનીમાં રવિવાર, 26 જૂને કમ્યુનિટી ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. (ANI Photo/ PIB)