જર્મનીમાં જી-7 દેશોની બેઠકમાં તમામ સભ્ય રાષ્ટ્રોએ આ યુદ્ધ ચાલે ત્યાં સુધી યુક્રેનને પડખે ઉભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કરતા રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બને અને લાંબુ ખેંચાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.
વિશ્વના આ ધનિક દેશોના આ જૂથે રશિયા સામેના આર્થિક પ્રતિબંધો વધુ આકરા બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. યુક્રેનના પ્રેસિડન્ટ વ્લોદોમિર ઝેલેન્સ્કી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જી-7 દેશોના નેતાઓને કરાયેલા સંબોધન બાદ જી-7 દેશો દ્વારા આ જાહેરાત કરાઈ હતી. ઝેલેન્સ્કીએ રશિયા સામેના યુદ્ધ માટે તેમની પાસે વધુ શસ્ત્રો અને એર ડિફેન્સ સિસ્ટમની માગ કરી હતી.
યુક્રેનની મદદ માટે વિશ્વના દેશોને એકજૂથ કરવાના પ્રયાસોને ધારી સફળતા નહોતી મળી કારણે જી-7 દેશોની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયેલા પાંચ વિકાસશીલ દેશોએ યુક્રેન પરના રશિયાના આક્રમણનો સીધો ઉલ્લેખ કર્યા વગર લોકશાહીના મૂલ્યોનું સમર્થન કરવું જોઈએ તેવા હળવા નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતાં.
જી-7 દેશોએ નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી તેઓ યુક્રેનને નાણાકીય, માનવતાવાદી, સૈન્ય અને રાજદ્વારી મદદ ઉપલબ્ધ બનાવતા રહેશે. આ ઉપરાંત તેઓએ યુક્રેનને વધુ 29.5 અબજ ડોલરની સહાય કરવાનો નિર્ધાર પણ રજૂ કર્યો હતો. રશિયા દ્વારા કિવ પર રવિવારે કરાયેલા મિસાઈલ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે અમેરિકા, યુક્રેનને વધુ નવા શસ્ત્રો આપશે.