(Image: Met Police)

વેસ્ટ લંડનના હન્સલોમાં રહેતા 31 વર્ષના કરમજીત સિંહ રીલની સ્ટેન્સ રોડ પર વેધરસ્પૂન્સ પબની બહાર શનિવાર તા. 25ની વહેલી સવારે ચાકુના વાર કરીને કરપીણ હત્યા કરી દેવાઇ હતી. લોકોએ સ્થળ પર ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિઓ અર્પણ કરી હતી. કરમજીત સિંઘ રીલની સોમવાર, જૂન 27ના રોજ પોલીસ દ્વારા ઔપચારિક ઓળખ કરાઇ હતી. કરમજીતને તેના સાથીદારોએ “લોકપ્રિય, દયાળુ, નમ્ર અને અસલી” માણસ તરીકે વર્ણવ્યો હતો.

મેટ્ર પોલીસ અધિકારીઓ અને પેરામેડિક્સને શનિવારે તા. 25 જૂનના રોજ સવારે 12.30 વાગ્યે સ્ટેન્સ રોડ પર આવેલ ટેસ્કો એક્સપ્રેસ અને રોડના સેન્ટ્રલ શોપિંગ વિસ્તારમાંથી કરમજીત છરાના ઘા સાથે મળી આવ્યો હતો. પેરામેડિક્સના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ઘટનાસ્થળે મૃત જાહેર કરાયો હતો. અક્સબ્રિજ મોર્ચ્યુરી ખાતે વિશેષ પોસ્ટમોર્ટમમાં તેના મૃત્યુનું કારણ છરાના ઘા જણાવાયું હતું.

સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર જેમ્સ શર્લીએ જણાવ્યું હતું કે “કરમજીતની હત્યા તરફ દોરી ગયેલી ઘટનાઓ માટે અમારી તપાસ ચાલુ છે. અમે સાક્ષીઓ, કાર ડેશકેમ ફૂટેજ ધરાવતા ડ્રાઇવરો અથવા માહિતી ધરાવનાર સૌને માહિતી આપવા અપીલ કરીએ છીએ.’’

કરમજીતને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની સાથે કામ કરતા લોકોએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે “રાઇટ ટાઇલ્સ ટીમના સૌથી લોકપ્રિય, દયાળુ, સૌમ્ય અને અસલી સભ્યને અમે શ્રધ્ધાંજલિ આપીએ છીએ. તે કોઈને ના કહી શકતો ન હતો અને કોઈપણ સાથીદાર અથવા ગ્રાહકને મદદ કરવા માટે દોડી જતો હતો. આખી ટીમ, ગ્રાહકો અને વેપારીઓ હૃદયભંગ અને આઘાતમાં છે. અમે તેના પરિવાર માટે કંઈક કરવા ઉત્સુક છીએ. તેથી અમે તેના પરિવારને સદ્ભાવના તરીકે કંઈક આપવા માટે નાણાં એકત્ર કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે રકમ થોડી સરળતા લાવશે અને તેમને શોકમાં મદદ કરશે.” કરમજીત સ્થાનિક રાઇટ ટાઇલ્સમાં કામ કરતો હોવાનું કહેવાય છે.

કરમજીત સિંઘના પરિવારજનો માટે નાણાં એકત્ર કરવા માટે GoFundMe  વેબસાઇટ પર એક £5,000 એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં £2,146 એકત્ર કરાયા હતા. આ અંગે હજૂ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મેટના વેસ્ટ એરિયા બીસીયુના ચીફ ઇન્સ્પેક્ટર કાર્લ સ્પોરે કહ્યું હતું કે “મારા વિચારો આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર અને મિત્રો સાથે છે. હું માહિતી ધરાવનાર સૌને આ મહત્વપૂર્ણ કાર્યમાં અમને મદદ કરવા વિનંતી કરૂ છું.”