વલસાડમાં 11 જુલાઈએ ભારે વરસાદથી મંદિરનું સંકુલ પાણીનાં ગરકાવ થયું હતું. (ANI Photo)

મધ્ય અને દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, સુરત, નવસારી, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ જિલ્લામાં સોમવારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અવિરત ચાલુ જ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં  આભ ફાટયું હોય તેમ સોમવાર  સવારે વાગ્યાથી  બપોરના બે વાગ્યા સુધીમાં ૧૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે પણ વધુ ૩ ઇંચ વરસાદ પડતાં કુલ વરસાદ ૧૮ ઇંચ ખાબક્યો હતો.  બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૫ ઇંચ, ધરમપુરમાં ૧૨.૫ ઇંચ, ડાંગ જિલ્લાના સાપુતારામાં ૧૧.૫ ઇંચ, આહવામાં ૧૦ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.

વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં ફરીથી આવેલા ઘોડાપુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા. અને લોકના ઘરમાં પાંચ થી છ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. ધરમપુરમાં ત્રણ યુવાન કાર સાથે તણાયા હતા અને વલસાડમાં એક યુવાન તણાયો હતો. વલસાડ  જિલ્લામાં ૬,૫0૦થી વધુ અને નવસારી જિલ્લામાં ૬,૧00થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતુ. નવસારીમાં એક વૃધ્ધા પૂરના પાણીમાં ડૂબી ગયા હતી. વલસાડમાં પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી અને એનડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યું કરાયા હતા. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૨ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં ધામણખાડી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘુસ્યા હતા. સર્વત્ર જળબંબાકારથીં લોકોની અત્યંત કફોડી હાલત બની હતી. દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં ૫૧ જેટલા ગામોમાં વરસાદથી ગરીબ આદિવાસીઓ પ્રભાવિત થયા હતા. કરજણ નદી ગાંડીતૂર બની હતી અને ૧૭ ગામોનો સંપર્ક દેડિયાપાડા સાથે તૂટી ગયો હતો.

ડુમખલ ખાતે દેવ નદી ગાંડીતૂર બની હતી. ડુમખલ, સરીબાર, પીપલોદ, કણજી, વાંદરી, કુકડીપાદર, શુરપાણ, માથાસર અને અન્ય ગામડાઓના લોકોએ મેઘરાજા  ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી હતી.  તરાવનદીમા પણ પૂર આવ્યું હતું. દેડિયાપાડા અને મોવી વચ્ચેનું નાળું સોમવારે ભારે વરસાદના કારણે ધોવાઇ જતાં દેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રનો વ્યવહાર ખોરવાયો હતો.

કપરાડા અને ધરમપુરમાં છેલ્લાં ત્રણ દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, સોમવારે જિલ્લામાં સરેરાશ ૮.૫ ઇંચ વરસાદ સાથે વલસાડની ઔરંગા નદીમાં ફરી ઘોડાપૂર આવતાં ફરીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં નદીની આજુબાજુનાં તમામ વિસ્તારોમાં ૬ થી ૭ ફૂટ જેટલાં પાણી ભરાઇ જતાં વહેલી સવારે લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા. વલસાડના બરૂડીયાવાડ, આંધિયાવાડ સહિતનાં વિસ્તારોમાંથી ૯ અને હનુમાન ભાગડા ગામે એક પરિવારના ચાર સભ્યોનું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું હતુ. તેજ રીતે હિંગળાજગામે પણ ત્રણ જણાને રેસ્કયુ કરી બચાવાયા હતા. ધરમપુરના બોપી ગામે રાત્રે ખનકી પરથી ઇકો કાર સાથે ત્રણ યુવાન તણાયા હતા.  ડાંગ જિલ્લામા સરેરાશ ૯.૩૨ ઇંચ વરસાદ નોંધાતા ૩૧ માર્ગો ઉપર પાણી ભરાતા બંધ કરાયા હતા.૪૦થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા.જયારે તમામ નદીઓનું રૌદ્ર સ્વરૂપ જારી રહ્યું હતુ. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લાની શાળાઓમા સોમવારે શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતુ. સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડતા માર્ગ સંપૂર્ણ બંધ થયો હતો.

નવસારી જિલ્લા જિલ્લામાં કુલ ૬૧૮૨થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. નવસારીમાં દશેરા ટેકરી બાલાપીરની દરગાહ સામે રહેતી લખીબેન રાઠોડ (ઉ.વ.૬૦) ઘરમાં ભરાયેલા પૂરના પાણીમાંથી બહાર નીકળી શક્યા ન હતા. અને પૂરના પાણી વધતા ડુબી ગયા હતા. સોમવારે જિલ્લામાં ૨૭૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતુ. નવસારીનાં છાપરા રોડ પર આવેલી બોલતીઘોર વિસ્તારમાં એક મકાન ધરાશયી થયું હતું. વાંસદાનો કેલિયાડેમ ૮૦ ટકાથી વધુ ભરાતા તંત્રએ ચાર તાલુકાના ૨૩ ગામોને એલર્ટ રહેવાની ચેતવણી જારી કરી છે.

તાપી જિલ્લામાં સતત ૪ દિવસથી પડી રહેલ વરસાદને પગલે જનજીવન પર ભારે અસર થઇ છે. સોમવારે પણ સોનગઢનો એક સ્ટેટ હાઇવે ઉપરાંત પંચાયતના ૩૯ રસ્તા બંધ રહ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પુલ અને ચેકડેમોનું ધોવાણ થયું છે. સોનગઢ તાલુકામાં દિવસ દરમિયાન ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદને પગલે ડોસવાડા ડેમ ઓવેરફ્લો થવાની નજીક પહોંચતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડામાં ૧૨ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ થઇ ગયો હતો. અહી ૩૬ કલાકમાં કુલ ૧૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.. તાલુકાના ૫૬ ગામો પૈકી ૮ ગામોના રસ્તા બંધ થઇ ગયા હતા.