વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નિકોલ કાતેના ખોડલધામ ગ્રાઉન્ડમાં 25 ઓગસ્ટ 2025ના રોજ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલ હાજર રહ્યાં હતાં. (PMO via PTI Photo)

ભારતીય માલ પર 50 ટકા યુએસ ટેરિફ લાગુ થાય તેના બે દિવસ પહેલા અમદાવાદમાં જાહેસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યોગોના હિત સાથે કોઇ સાથે સમાધાન કરશે નહીં. ભલે ગમે તેટલું દબાણ હોય દેશનું હિત સર્વોપરી રહેશે. તેમણે સ્વદેશી પ્રોડક્ટ્સની ખરીદી કરવા પર પણ ભાર મૂક્યો હતો.

ભારત પર અમેરિકાએ લાદેલી જંગી ટેરિફનો દેખિતો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિ જોવા મળી રહી છે, પણ હું દેશના નાના બિઝનેસમેન અને ખેડૂતોને વાયદો કરું છું કે મારા માટે તમારું હિત સર્વોપરી રહેશે. મારી સરકાર ક્યારેય ખેડૂતો અને પશુપાલકોનું નુકસાન થવા દેશે નહીં. દબાણ ભલે ગમે તેટલું હોય, અમે આપણી શક્તિ વધારતા જઈશું. હું દેશવાસીઓને આગ્રહ કરું છુ કે હું સ્વદેશી ખરીદીશ આને આપણે જીવનમંત્ર બનાવીએ. વેપારીઓઓએ વિદેશી વસ્તુઓ ન વેચવાનો સંકલ્પ લેવો જોઇએ. હું દુકાનદાર, વેપારીઓને કહેવા માગુ છુ કે નક્કી કરી લો કે વિદેશી માલ નહી વેચું અને દેશને આગળ વધારવામાં યોગદાન આપો.

ત્રાસવાદ સામે  દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો હતો. 22 મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું હતું. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે.

ગુજરાતમાં લોન્ચ કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશભરમાં ગણેસોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.

ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત હવે સેમિકંડક્ટરમાં પણ મોટું નામ કરવા જઇ રહ્યું છે. ટેક્સટાઇલ, જ્વેલરી હવે ગુજરાતની ઓળખ બની ગઇ છે. દવા,વેક્સિન અને ફાર્મા ક્ષેત્રની પણ દેશનું એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થાય છે. ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રો કેમિકલ્સનું પણ એક મોટું હબ બનવા જઇ રહ્યું છે. ગુજરાત દેશની પેટ્રોકેમિકલ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ, સિન્થેટિક, દવા, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મેટિક્સનું સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ્સ સેક્ટર છે. ગુજરાતમાં જૂના ઉદ્યોગોનો વિસ્તાર થઇ રહ્યો છે.

ટુરિઝમ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે કચ્છના રણમાં સફેદ રણ જોવા માટે દુનિયાને ઘેલુ લાગે, સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવાનું મન થાય, બેટ દ્વારકાનો બ્રિજ જોવા લોકો આવે, એક વાર નિર્ણય કરીએ તો પરિણામ આવીને જ રહે છે.

LEAVE A REPLY