વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે 25 ઓગસ્ટે રાજ્યને કુલ રૂ.5,477 કરોડ વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. (PMO via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે 25 ઓગસ્ટે રાજ્યને કુલ રૂ.5,477 કરોડ વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પછી અમદાવાદમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા તરીકે ઓળખાતી ઝૂંપડપટ્ટીના સેક્ટર-3માં ૧૩૩.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા કુલ ૧,૪૪૯ ઘરો અને ૧૩૦ દુકાનોના પુનર્વસન કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની ઝૂંપડપટ્ટી પુનર્વસન અને પુનર્વિકાસ નીતિ-2013 હેઠળ હાથ ધરાયો હતો.

મોદીએ અમદાવાદ શહેરની આસપાસના ફોર-લેન એસપી રિંગ રોડના અપગ્રેડેશન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે તબક્કામાં છ-લેન રોડનું બાંધકામ સામેલ હશે, જેમાં ગતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે એક્સપ્રેસવે ધોરણો અનુસાર નિયંત્રિત પ્રવેશ હશે.

દસક્રોઈ તાલુકામાં, 27 કરોડ રૂપિયાના ખર્ચે એક વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેમાં 23 કિમી લાંબી ટ્રંક મેઈન પાઇપલાઇન પણ બનાવવામાં આવી છે. વડાપ્રધાને ઉદ્ઘાટન કરેલા આ પ્રોજેક્ટથી AUDA વિસ્તારના 10 ગામોને સ્વચ્છ પીવાનું પાણી મળશે.

વડાપ્રધાન અમદાવાદના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ સ્ટ્રીટ ફર્નિચર સાથે લો ગાર્ડન અને મીઠાખલી પ્રિસિંક્ટના વિકાસ પ્રોજેક્ટ્સ તથા થલતેજ, નારણપુરા અને ચાંદખેડા વોર્ડમાં નવા પાણી વિતરણ સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો હતો. તેઓ સરખેજ વોર્ડમાં એક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ફો-લેન રેલ્વે ઓવરબ્રિજના પુનર્વિકાસનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાન ગાંધીનગરમાં 281 કરોડ રૂપિયાના શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

મોદીએ મહેસાણા જિલ્લા માટે 1,796 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો હતો અને બે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે 1,400 કરોડ રૂપિયાથી વધુના રેલ્વે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. જેમાં મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇન (65 કિમી)નું ડબલિંગ, કલોલ-કડી-કટોસણ લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને બેચરાજી-રણુંજ લાઇન (40 કિમી)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ, તેઓ અમદાવાદ નજીક કંપનીના હાંસલપુર પ્લાન્ટ ખાતે મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન, ‘ઈ-વિટારા’ માટે પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રાજ્યને અગ્રેસર બનાવવામાં મદદ કરશે. 25 ઓગસ્ટે તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે.

ઉપરાંત મોદી પોતાના વતન વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટથી વડનગર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારની સુવિધામાં ઘણો સુધારો થશે.

 

LEAVE A REPLY