(ANI photo)

ઈંગ્લેન્ડમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની મોટા પ્રમાણમાં વસતિ ધરાવતા લેસ્ટરશાયરના ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે ભારતના લિટલ માસ્ટર તરીકે ખૂબજ જાણીતા અને લોકપ્રિય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું નામ જોડી દેવાશે.

ઈંગ્લેન્ડમાં પહેલીવાર ભારતીય ક્રિકેટરનું નામ સ્ટેડિયમ સાથે જોડાશે. ગાવસ્કર આ સ્ટેડિયમના નામકરણ માટે લેસ્ટર જવાના છે. અમેરિકાના કેન્ટુકી અને ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં પણ સુનિલ ગાવસ્કર ક્રિકેટ સ્ટેડિયમ છે.

૭૩ વર્ષના ગાવસ્કરે કહ્યું કે, લેસ્ટરમાં ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે મારું નામ જોડાવાનું છે તે ગૌરવની વાત છે. લેસ્ટરમાં ભારતીય ક્રિકેટને જબરજસ્ત સમર્થન મળતું હોય છે.

લેસ્ટરના સ્ટેડિયમ સાથે ગાવસ્કરનું નામ જોડાવાનો મૂળ વિચાર યુકેના સૌથી લાંબો સમય સાંસદ રહેલા ભારતીય બ્રિટિશર કીથ વાઝનો છે. તેમણે કહ્યું કે, અમે ગાવસ્કરનું નામ આ સ્ટેડિયમ સાથે જોડતા ઘણો રોમાંચ અને ગૌરવ અનુભવીએ છીએ.