તમામ પડકારોનો સામનો કરીને માત્ર 26 વર્ષની ઉંમરે મનિષા રુપેતા પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) બન્યા છે. (PTI Photo)

તમામ પડકારોનો સામનો કરીને માત્ર 26 વર્ષની ઉંમરે મનિષા રુપેતા પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) બન્યા છે. મનિષા સિંધ પ્રદેશના જેકોબાબાદથી આવે છે. મનિષાએ ગયા વર્ષે સિંધ પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા પાસ કરી હતી. 152 સફળ ઉમેદવારોની યાદીમાં મનિષાનો 16મો ક્રમાંક હતો. અત્યારે મનિષા તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ પછી લ્યારી વિસ્તારમાં ડીએસપી તરીકે તેઓ કાર્યરત થશે.

મનિષાએ આ પદ મેળવીને પોતાના પરિવારજનોને ખોટા સાબિત કરી દીધા છે. મનિષાનું લક્ષ્ય મહિલા રક્ષક બનવાનું છે. તે પુરુષપ્રધાન સમાજમાં સમાનતા લાવવા માંગે છે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માંગે છે અને તેના માટે તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.

મનિષાનું માનવું છે કે, પુરુષપ્રધાન પાકિસ્તાનમાં મહિલાઓનું સૌથી વધારે શોષણ થાય છે તેમજ તેઓ અનેક પ્રકારના ક્રાઈમનો પણ શિકાર બને છે. બાળપણથી જ મેં અને મારી બહેનોએ આ જૂની શૈલી જોઈ છે, જ્યાં છોકરીઓને કહેવામાં આવે છે કે જો તેઓ ભણીને કામ કરવા માંગે છે તો તેમના માત્ર ટીચર અથવા ડોક્ટરનો જ વિકલ્પ છે. મધ્યમવર્ગીય પરિવારથી આવતા મનિષા જણાવે છે કે, એવી માન્યતા છે કે સારા પરિવારોની છોકરીઓએ પોલીસ સર્વિસ અથવા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કામ ના કરવું જોઈએ. હું આ માન્યતાને તોડવા માંગુ છું.

તેમણે જણાવ્યું હતું કે આપણા સમાજમાં મહિલાઓનું સૌથી વધારે શોષણ થાય છે અને તેઓ વિવિધ ગુનાઓનો શિકાર બનતી હોય છે. હું પોલીસમાં જોડાઈ કારણકે મને લાગે છે કે આપણને એક વુમન પ્રોટેક્ટરની જરૂર છે. મને લાગે છે કે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરવાને કારણે હું મહિલાઓને સશક્ત કરી શકીશ અને તેમને આગળ લાવવામાં યોગદાન આપી શકીશ.