Jio 5G Network
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં હવે ટૂંકસમયમાં  5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થવાની શક્યતા છે. ભારતી એરટેલના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ચાલુ મહિને  5G સર્વિસ લોન્ચ કરશે તથા માર્ચ 2024 સુધીમાં તમામ મુખ્ય શહેરો અને મહત્ત્વના ગ્રામીણ વિસ્તારને આવરી લેશે. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો 15 ઓગસ્ટે ભારતમાં ફાઇવજી સર્વિસ લોન્ચ કરીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માગે છે. જો જિયો 15 ઓગસ્ટે આ સર્વિસ લોન્ચ કરશે તો તે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાયોગિક ધોરણે હશે.  

દેશમાં હવે સુપરફાસ્ટ ઈન્ટરનેટના દિવસો હવે વધારે દૂર નથી. 5G સ્પેક્ટ્રમ માટે હરાજી થઈ ગઈ છે અને તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ સૌથી વધારે ઉંચી બોલી લગાવી છે. ટેલિકોમ ઉદ્યોગમાં જોરદાર સ્પર્ધા થશે. 4G સર્વિસના કારણે ટેલિકોમ સેક્ટરમાં જે રીતે ક્રાંતિ આવી તેવી જ રીતે 5Gમાં પણ કમાલ થવાની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે 5Gના પ્લાન માસિક 500 રૂપિયાથી શરૂ થશે. 

જિયોની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે ભારતમાં ટોચના 100 શહેરો માટે રિલાયન્સ જિયોનો 5G પ્લાન તૈયાર છે. એરટેલે કહ્યું છે કે તે ભારતમાં 5000 શહેરોમાં સર્વિસ શરૂ કરવા માટે કવરેજ પ્લાન ધરાવે છે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ દ્વારા 5G ઇન્ટરનેટ સેવા પાછળ કુલ 22 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. એરટેલે કહ્યું છે કે તે ભારતમાં કુલ 22 સર્કલમાં એક મહિનામાં સેવા શરૂ કરવા માટે તૈયાર છે. આ માટે એરિક્સન, નોકિયા અને સેમસંગ જેવી કંપનીઓ સાથે નેટવર્કિંગ અને સેલ્યુલર માટે કરાર કરવામાં આવ્યા છે.