Shahbaz Sharif
(Photo by AAMIR QURESHI/AFP via Getty Images)

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે જણાવ્યું હતું કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “કાયમી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુદ્ધ એ બંને દેશો માટે વિકલ્પ નથી. શાહબાઝ શરીફે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત કરતા કહ્યું હતું કે યુએનના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સાથે જોડાયેલો છે.

તેમણે જણાવ્યું હતું પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન અને ભારતે વેપાર, અર્થતંત્ર અને તેમના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવા માટે સ્પર્ધા કરવી જોઈએ. પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિની તરફેણ કરે છે અને પ્રાદેશિક શાંતિ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ જમ્મુ અને કાશ્મીરના મુદ્દાના ઉકેલ પર નિર્ભર છે. અમે ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ અને વાતચીત જ એકમાત્ર રસ્તો છે. યુદ્ધ એ કોઈપણ દેશ માટે વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે કાશ્મીર મુદ્દા અને સરહદ પારથી થતી આતંકવાદી ગતિવિધિઓને કારણે ભારત-પાકિસ્તાનના સંબંધો ઘણીવાર વણસ્યા છે. ભારતે વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને હંમેશા રહેશે. ભારતનું કહેવું છે કે તે આતંકવાદ, અસ્થિરતા અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી જેવા સંબંધો ઈચ્છે છે.