Sunak Couple Temple Visit

હાઉસ ઓફ કોમન્સમાં એમપી તરીકે ‘ભગવદ ગીતા’ પર હાથ રાખી શપથ લેનાર અને બ્રિટનના વડા પ્રધાનપદના ઉમેદવાર, ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે જન્માષ્ટમીની ઉજવણી માટે ગુરુવારે લંડન નજીક વોટફર્ડ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિર – ભક્તિવેદાંત મેનોરની મુલાકાત લીધી હતી.

વડા પ્રધાનપદનાવ્યસ્ત પ્રચાર કાર્યક્રમમાંથી થોડો સમય કાઢનાર અને ઘણી વખત હિંદુ આસ્થા પોતાને શક્તિ આપે છે તેમ જણાવનાર સુનકે પત્ની અક્ષતા સાથેની પ્રાર્થના કરતી તસવીર ટ્વિટ કરી જણાવ્યું હતું કે “ભગવાન કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરતા લોકપ્રિય હિન્દુ તહેવાર જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે એડવાન્સમાં આજે મેં મારી પત્ની અક્ષતા સાથે ભક્તિવેદાંત મેનોર મંદિરની મુલાકાત લીધી.”

હર્ટસ્મીયરના કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ અને ટોરી લીડરશીપ રેસમાં સુનકને ટેકો આપી રહેલા ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે,  “ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરતા હિંદુ તહેવાર જન્માષ્ટમીની ઉજવણી માટે હર્ટસ્મીયરના ભક્તિવેદાંત મેનોર મંદિરમાં આજે ઋષિ સુનકને આવકારતાં આનંદ થાય છે. હર્ટસ્મીયરમાં વસતા દરેકને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

તેમણે ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓ, કાઉન્સિલર્સનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘’જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ અહિં ઉપસ્થિત રહેતા મને આનંદ થાય છે. મારા સાથીદારો, સ્થાનિક કાઉન્સિલર્સ અને એમપી અહિં ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે. છેલ્લા સપ્તાહોથી ખૂબ જ ટફ કેમ્પેઇન થઇ રહ્યું છે. આ મુશ્કેલ સમયે મને અક્ષતા તરફથી ગીતાના ઉપદેશો મળી રહ્યાં છે. ચાહે તે સંદેશા દ્વારા હોય છે કે ફોન દ્વારા. હું જેમાં માનુ છું તે માટે, સતત લડવા માટે મને ગીતાના ઉપદેશો દ્વારા સતત બળ મળી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી તમે સૌ મંદિર માટે જે કરો છો, ટેકો આપો છો, તે માટે હું આપ સૌનો આભાર માનુ છું. આ મંદિર દ્વારા જે કામ થાય છે, ઉપદેશ અપાય છે તે બહુ જ અગત્યના છે. તે ઉપદેશો મને પણ અપાયા છે અને વિશ્વભરના અન્ય લાખ્ખો લોકોને અપાયા છે. જય શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમી પ્રસંગે શુભકામનાઓ.’’

NHS જીપી યશવીર અને ફાર્માસિસ્ટ ઉષા સુનકના યુ.કે.માં જન્મેલા પુત્ર ઋષી સુનક, એક ધર્મનિષ્ઠ હિંદુ છે. બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના ચાન્સેલર ઋષી સુનક નંબર 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દિવાળી પ્રસંગે દીવા પ્રગટાવવાની પળને પોતાના જીવનની “ગર્વની ક્ષણો” પૈકીની એક ગણે છે. તેઓ હાલ ટોરી સભ્યોના મત જીતવાના પ્રયાસમાં સમગ્ર યુકેમાં પ્રચારમાં વ્યસ્ત છે. હાલમાં પોસ્ટલ અને ઓનલાઈન મતદાનની પ્રક્રિયા ચાલુ છે.

ભક્તિવેદાંત મેનોર યુકેના અગ્રણી ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ કૃષ્ણા કોન્સીયસનેસ (ઇસ્કોન)ના હબમાંનું એક છે, જે સ્થળ બીટલ્સના સંગીતકાર જ્યોર્જ હેરિસન દ્વારા દાનમાં આપવામાં આવ્યું હતું. એ મેનોરને “આધ્યાત્મિક અભયારણ્ય” તરીકે ઓળખવામાં આવે છે. તેની 78 એકર જમીન પર વિશાળ બગીચાઓ, એક ઓર્ગેનિક ફાર્મ, ગૌશાળા તેમજ મંદિર આવેલા છે.