ભારત અને ચીન પૂર્વ લડાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ એરિયામાં સૈનકોને પાછા બોલાવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર સુધી પૂરી કરશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત અને ચીનની આર્મીએ આ વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ્સ-15 પરથી સૈનિકો પરત બોલાવી લેવાની જાહેરાત કર્યા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે બંને દેશો દ્વારા આ વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા તમામ હંગામી અને બીજા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવામાં આવશે.
લડાખમાં IAF બેઝના અપગ્રેડેશનને બહાલી
વન્યજીવન રાષ્ટ્રીય બોર્ડની સ્થાયી સમિતિએ લડાખમાં ચીન સાથેની વાસ્તવિક અંકુશ નજીક આવેલી ચાંગથાંગ વન્યજીવ અભ્યારણ્યમાં ભારતીય હવાઇદળના બેઝને એપગ્રેડ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ઉપરાંત બોર્ડે ચાંગથાંગ અને કારાકોરમ વન્યજીવ અભ્યારણ્યોમાં બીજા નવ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને બહાલી આપી છે. તેનાથી એલએસી પર ભારતનું સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે.












