class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ-9થી 12)ની શાળાઓએ અઠવાડિયામાં ફરજિયાત 27 કલાકનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું પડશે. શિક્ષણ બોર્ડે એક પરિપત્ર જારી કરીને આ નિયમ બનાવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ સપ્તાહમાં રિસેસને બાદ કરતા 27 કલાકનું શિક્ષણ ફરજિયાત આપવાનું રહેશે. પાંચ દિવસ સુધી રોજના પાંચ કલાક મુજબ 25 કલાકનું શિક્ષણ અને એક દિવસ 2થી 3 કલાકના શિક્ષણને મળીને સપ્તાહનું 27થી 28 કલાકનું શિક્ષણ પૂર્ણ થાય છે. જોકે, હવે સ્કૂલ સંચાલકોએ અભ્યાસના કલાકો પોતાની રીતે ગોઠવવાના રહેશે. અભ્યાસના કલાકો અને શાળાના સમયને લઈને આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ બોર્ડને રજૂઆત કરાઈ હતી. જેના પગલે બોર્ડે પરિપત્ર કર્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા 2000માં એક પરિપત્ર કરાયો હતો. જેમાં માધ્યમિક શાળાઓને સવાર પાળીમાં ન ચલાવવા આદેશ કરાયો હતો. રાજ્યની પ્રાથમિક શાળાઓ સવાર પાળીમાં ચાલતી હોવાના લીધે માધ્યમિક શાળાઓ બપોર પાળીમાં ચલાવવા માટે આદેશ કરાયો હતો. જોકે, ત્યારબાદ બોર્ડ દ્વારા નિયમમાં ફેરફાર કર્યો હતો અને માધ્યમિક શાળાઓ પણ સવાર પાળીમાં ચાલે તે માટેની છુટ આપી હતી. આ છુટ બાદ ઘણી શાળાઓ સવાર પાળીમાં શરૂ થઈ હતી. જોકે, અભ્યાસના કલાકોને લઈને શાળાઓ પોતાની મનમાની કરતી હોઈ બોર્ડ દ્વારા પરિપત્ર કરી અભ્યાસના કલાકો અંગે સ્પષ્ટતા કરી છે.

અમદાવાદ શહેરમાં આવેલી મોટાભાગની માધ્યમિક શાળાઓ સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન ચાલતી હોય છે. આ શાળાઓમાં અડધો કલાકની રિસેસને બાદ કરતા સરેરાશ રોજના સાડા ચાર કલાક જેટલો સમય શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે શનિવારે અડધો દિવસ હોય ત્યારે અઢી કલાક જેટલું શિક્ષણ અપાય છે. આ સ્થિતિમાં સવાર પાળીની શાળાઓમાં સપ્તાહમાં 25 કલાક જેટલું જ શિક્ષણ થાય છે. આમ, આ શાળાઓમાં બે કલાક જેટલું શિક્ષણ સપ્તાહનું ઘટે છે. જોકે, હવે આ શાળાઓએ પણ સમયમાં એ રીતે ફેરફાર કરવાનો રહેશે કે અભ્યાસના કલાકો ઘટે નહીં.

LEAVE A REPLY

nineteen − 2 =