અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકાની જંગી ટેરિફ લાદ્યા પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં આગામી પેઢીના સુધારા કરીને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી.

આ કવાયતના કવાયતના ભાગરૂપે જીએસટીના વર્તમાન ચાર સ્લેબ (5, 12, 18 અને 28 ટકા)ને નાબૂદ કરીને ફક્ત બે સ્લેબ 5% અને 18% જ રાખવાની દરખાસ્ત કરાઈ છે. ગુરુવારે જીએસટી અંગેના પ્રધાનોના ગ્રુપે આ દરખાસ્તને મંજૂરી આપી હતી. જેથી જીએસટીના 12 ટકા તથા 28 ટકા સ્લેબને હટાવીને તેમાં રહેલી ચીજવસ્તુઓનો ફક્ત બે સ્લેબમાં સમાવેશ કરાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું કે, નવી વ્યવસ્થાના અમલથી સામાન્ય લોકો, ખેડૂતો, મધ્ય વર્ગ અને નાના વેપારીઓને ફાયદો થશે. નવા સુધારાને લીધે જીએસટી વધુ પારદર્શક તથા ગ્રોથ-ફ્રેન્ડલી બનશે. પ્રધાનોના ગ્રુપે કેટલાકે મોંઘી કારો અને તમાકુ સહિતની ચીજો પર 40 ટકા ટેક્સ ઉપરાંત વધારાનો કર લાગુ કરવાનો મત રજૂ કર્યો છે. આગામી સપ્ટેમ્બરમાં મળનારી હાઈપાવર્ડ જીએસટી કાઉન્સિલ બેઠકમાં જીએસટી સુધારા અંગે વિચાર બાદ અંતિમ નિર્ણય લેવાશે.

નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો અમલ થવાથી હાલમાં 12% સ્લેબમાં આવતી 99% ચીજવસ્તુઓ 5 ટકામાં ખસેડાશે અને તેનાથી તમામ પ્રોડક્ટ્સ સસ્તી થશે. આ જ પ્રકારે 28% જીએસટી ધરાવતા ઉત્પાદનો પૈકી 90% વસ્તુઓ 18 ટકામાં ખસેડાશે.

જીવન-આરોગ્ય વીમા પરનો 18 ટકા ટેક્સ નાબૂદ કરાશે

ભારત સરકારે વ્યક્તિગત જીવન અને આરોગ્ય વીમા પોલિસીઓને GSTમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત છે અને લગભગ મોટાભાગના રાજ્યોએ તેની તરફેણ કરી છે. હાલમાં હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર 18 ટકા જીએસટી લાગુ પડશે. જો જીએસટી નાબૂદ થશે તો આ બંને વીમા પોલિસીઓઓ સસ્તી થશે અને હાલના પ્રીમિયમમાં પણ ઘટાડો થશે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન અને વીમા અંગેના પ્રધાનોના ગ્રુપ (GoM)ના કન્વીનર સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી હતી. વ્યક્તિગત વીમા પોલિસીઓને GSTમાં મુક્તિના આપવાથી જીએસટીની વાર્ષિક આવકમાં આશરે રૂ.9,700 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

LEAVE A REPLY