Interesting stories after the death of Queen Elizabeth

મહારાણીના અંતિમ સંસ્કાર સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે અને ત્યારે બાદ તેમના દેહને વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલમાં ખસેડવામાં આવશે. જ્યાં રાણીના દેહને સેન્ટ જ્યોર્જ ચેપલમાં તેના સ્વર્ગસ્થ પિતા, કિંગ જ્યોર્જ VI, ક્વીન મધર અને તેમની બહેન પ્રિન્સેસ માર્ગારેટ સાથે એક ક્રિપ્ટમાં દફનાવવામાં આવશે. એપ્રિલ 2021માં મૃત્યુ પામેલા રાણીના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપના દેહને તેમની સાથે રાખવા ચર્ચના અન્ય વોલ્ટમાંથી ખસેડવામાં આવનાર છે.

તા. 14થી 19 સપ્ટેમ્બરની સવારના 6.30 વાગ્યા સુધી લોકો મહારાણીને શ્રધ્ધાંજલિ આપે અને આખરી દર્શન કરી શકે તે માટે રાણીનો મૃતદેહ લંડનના વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે.

મહારાણીના મૃતદેહને ધરાવતા કોફિનને તા. 11ને રવિવારે લંડન લાવવા માટેની મુસાફરી શરૂ કરાઇ હતી. બાલમોરલ કાસલથી એડિનબરાના પેલેસ ઓફ હોલીરૂડ હાઉસ સુધીની છ કલાકના મોટરકેડને પસાર થતો જોવા માટે રવિવારે બલાટર, એબરડીન અને ડંડી જેવા શહેરો અને અન્ય નગરોના માર્ગ પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. તે રૂટ પરના નગરો અને ગામડાઓના શોકગ્રસ્ત લોકોએ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે આ યાત્રા લોકોને “આપણા દેશની સહિયારી ખોટ”ને અંજલિ આપવાની તક ગણાવી હતી.

રાણીનું કોફિન એક દિવસ માટે મહારાણીના સત્તાવાર સ્કોટિશ નિવાસસ્થાન અને તેમના સૌથી નાના મહેલ, હોલીરૂડહાઉસ ખાતે રહ્યું હતું અને સોમવારે તેમનું કોફિન રોયલ માઇલ સાથે સેન્ટ ગાઇલ્સ કેથેડ્રલ ખાતે સર્વિસ માટે લઈ જવામાં આવ્યું હતું. આ સર્વિસ બપોર સુધી ચાલી હતી.

મહારાણીને વિદાય આપવા માટે એડિનબરામાં રાતભર લોકોએ માઈલો લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. લોકો બેન્ચ પર સૂઈ ગયા હતા. વેસ્ટમિન્સ્ટર હોલમાં રાણીનાલ  પાર્થિવ દેહના દર્શન કરવા 30 કલાક રાહ જોવાને બદલે ઈંગ્લેન્ડથી એડિનબરા સુધી મુસાફરી કરી હતી. હજારો લોકોએ દર્શન કરી રાતભર મહારાણીને આદર આપ્યો હતો. લોકોએ રોયલ માઇલથી સેન્ટ ગાઇલ્સ કેથેડ્રલ સુધી કતાર લગાવી હતી. પોતાનો નંબર આવે ત્યાં સુધી લોકો અને પેન્શનરો બેન્ચ પર સૂતા અને કેમ્પિંગ ખુરશીઓ પર આરામ કરતા જોવા મળ્યા હતા.

કિંગ ચાર્લ્સ III અને અન્ય વરિષ્ઠ રાજવીઓએ તા. 12ની સાંજે 12મી સદીના પૂજા સ્થળમાં વિજીલમાં ભાગ લીધો હતો.

જ્યાં શાહી પરિવારના સભ્યોની હાજરીમાં સર્વિસ યોજાશે. તા. 13 સપ્ટેમ્બર સુધી તેમનો મૃતદેહ કેથેડ્રલમાં રહેશે. ત્યારબાદ તેને રોયલ એરફોર્સના પ્લેન દ્વારા લંડનના નોર્થોલ્ટ એરબેઝ ખાતે અને ત્યાંથી બકિંગહામ પેલેસ લઈ જવાશે. ત્યારબાદ મૃતદેહ પાર્લામેન્ટના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર પેલેસના વેસ્ટમિન્સ્ટર હોલમાં રખાશે.

સ્ટેટ ફ્યુનરલ સુધી રાણીનું કોફિન એક કેટફાલ્ક પર રખાશે અને તેનું રક્ષણ હાઉસહોલ્ડ કેવેલરી અને ગાર્ડ્સ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરાશે. જ્યાં જનતા તેમના દર્શન કરી શકશે. તે અંગેની વધુ વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે.

મહારાણીના દેહને સ્ટેટ ફ્યુનરલ માટે રોયલ નેવીના સૈનિકો દ્વારા ગન કેરેજ પર વેસ્ટમિન્સ્ટર એબીમાં લઇ જવાશે તેમ મનાય છે. અંતિમ સંસ્કાર પછી, એક શોભાયાત્રા વેસ્ટમિન્સ્ટર એબીથી વેલિંગ્ટન આર્ક જશે અને ત્યાંથી વિન્ડસર કાસલ જશે. વિન્ડસરમાં, સ્ટેટ હર્સ વિન્ડસર કાસલ ખાતે સેન્ટ જ્યોર્જ ચેપલ જશે, જે તેમના સ્વર્ગસ્થ પતિ – પ્રિન્સ ફિલિપનું અંતિમ વિશ્રામ સ્થળ છે.

LEAVE A REPLY

9 + 19 =