Dadasaheb Phalke Award to veteran actress Asha Parekh
(ANI Photo)

ભારત સરકારે બોલીવુડના પીઢ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને 2020 માટેનો રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવોર્ડ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં આ અંગેની જાહેરાત કરી હતી.

79 વર્ષના આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ અવોર્ડ દરમિયાન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આશા પારેખ બોલીવુડના સુવર્ણયુગ ગણાતા બ્લેક એન્ડ વાઈટ યુગથી માંડીને રંગીન ફિલ્મો સુધીના આધુનિક યુગના સાક્ષી રહ્યા છે. તેમની જાણીતી ફિલ્મોમાં કટી પતંગ, કારવા. જબ પ્યાર કિસી સે હોતા હૈ, ફિર વહી દિલ લાયા હૂ તથા તીસરી મંજિલ સહિતની અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આશા પારેખે સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તેમણે 1990માં દુરદર્શન માટે કોરા કાગજ સીરીયલનું પણ નિર્માણ કર્યું હતું.

હિન્દી ફિલ્મોના ગુજરાતી અભિનેત્રી તરીકે આશા પારેખને મળેલા આ સન્માનથી સમગ્ર ગુજરાતના અને દેશ વિદેશના તેમના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. 1999માં ‘સર આંખો પર’ તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1992માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.

આશા પારેખને 66 મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળશે. આ પુરસ્કાર મેળવનાર તેઓ સાતમા મહિલા કલાકાર છે. આ પહેલા 1969 માં દેવિકા રાણી, 1973 માં સુલોચના, 1976 માં કાનનદેવી, 1983 માં દુર્ગાખોટે , 1989 માં લતા મંગેશકર અને સન 2000 માં આશા ભોંસલેને આ પુરસ્કાર મળ્યો હતો. આમ ૨૦ વર્ષ પછી કોઈ મહિલા કલાકારને આ સન્માન પ્રાપ્ત થયું છે.

LEAVE A REPLY

five × 1 =