Kiritkumar Patel gets Danbhaskar Award

ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 5 કરોડનું માતબર દાન આપનાર મૂળ બાકરોલના વતની અને હાલમાં UK સ્થિત વિખ્યાત હોટેલિયર અને દાતા કિરીટભાઈ રામભાઇ પટેલ ને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 22મી ડિસેમ્બરે, ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે રામભાઇ એન્ડ મણિબેન પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીનું દીપ પ્રાગટ્ય સાથે લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટ ના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, સંસ્થાના અન્ય પદાધિકારીઓ સહિત દાતા કિરીટભાઇ પટેલના ધર્મપત્ની સુલોચનાબેન, પુત્ર જીગ્નેશભાઇ પટેલ UK થી આવેલા પરિવારજનો ખાસ હાજર રહ્યા હતા.

ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારુસેટ, CHRF સંસ્થાની સ્થાપના વિષે વિગતવાર માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં રૂ. 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 47 વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. જેઓને કેળવણી મંડળની પરંપરા મુજબ ‘દાનભાસ્કર’ એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે છે. આ 32મો ‘દાનભાસ્કર’ એવોર્ડ સમારંભ છે. ત્યાર બાદ દાતા કિરીટભાઇ પટેલ તેમજ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. આર. વી. ઉપાધ્યાયે ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસનો પરિચય કરાવ્યો હતો

દાનભાસ્કર એવોર્ડ અને દાતા વિષે શ્રી ધીરૂભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યુ કે કિરીટભાઇ રામભાઇ પટેલ અને સુલોચનાબેન પટેલ 1982થી UKમાં સ્થાયી થયા છે. પાળજના આઈ. કે. પટેલના માર્ગદર્શનથી હોટેલ ઉદ્યોગમાં જોડાયા. યુકે હોટેલ ઉદ્યોગમાં વર્ષોના સંચાલનના અનુભવના કારણે તેઓ હોટેલ પ્રોપર્ટીમાં સામ્રાજ્ય ધરાવે છે. ભારત ઉપરાંત યુકેમાં સામાજીક, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા અને વતન-સમુદાયને પરત આપવાની ભાવના સાથે દાન કરવાની તેમની સેવાકીય પ્રવૃતિ યથાવત છે. યુકેના શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી તરીકે 2 દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે. યુકેના સમાજના તેઓ પિલ્લર છે તેમના પ્રયાસોથી વેમ્બલીમાં સત્તાવીસ પાટીદાર સેન્ટર ઊભું થયું છે અને આજે સેન્ટરમાં મેઇન હૉલ તેમના માતબર દાન થકી નિર્માણ થયો છે. તેમણે ચારુસેટ હોસ્પિટલમાં રામભાઇ એન્ડ મણિબેન પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપ્યું છે. શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) ને રૂ. 2 કરોડ, બાલગોપાલ ફાઉન્ડેશન યુકે ને રૂ. 50 લાખ, નરેન્દ્ર મોદી કોરોના વાઇરસ ફંડ અપીલ માટે રૂ. 5 લાખ અને હજારો રૂપિયાનું દાન ભારત અને વિદેશોમાં વિવિધ મંદિરોમાં તેમજ સામાજિક કલ્યાણ અર્થે આપ્યું છે. દાન, ધાર્મિક અને સમાજ માટે લગભગ રૂ. 15 કરોડનું દાન પોતાની કમાણીમાંથી આપ્યું છે. નગીનભાઈ પટેલના હસ્તે દાતા કિરીટભાઈ અને સુલોચનાબેનને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. શ્રી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.

આ પ્રસંગે બાકરોલ પાટીદાર સમાજ, બાકરોલ વિકાસ કમિટી, અમેરિકા પાટીદાર સમાજ, UK પાટીદાર સમાજ, બાકરોલ યુવક મંડળ, બાકરોલ મહિલા સમાજ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ડી. એન. હાઇસ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે દ્વારા દાતાશ્રીનું બુકે, શાલ, માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. એમ. સી. પટેલે કહ્યું કે દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ચારુસેટ ગ્લોબલ પ્લેયર તરીકે વિખ્યાત છે. કિરીટભાઇએ UK માં ચારુસેટ એજયુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT) ની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યારે બે પ્રોજેકટ ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ આગળ વધારવામાં તેઓનો કાયમી નાતો જળવાઈ રહે અને હમેશા બોન્ડીંગ તેવો અનુરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે દાતાઓની જીવનગાથા કેસસ્ટડી તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવા જણાવ્યુ હતું.

દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા શામિકભાઈએ જણાવ્યુ હતું કે પરિવાર અને સમાજ માટે કિરીટભાઇ મજબૂત શક્તિ છે. જિગ્નેશ પટેલે જણાવ્યુ હતું કે અમે આ એવોર્ડ સ્વીકારતા આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. કિરીટભાઇ પોતે જે કમાયા તેમાંથી સમાજને હમેશા પરત આપતા રહ્યા છે. અમને તેમના પર ગૌરવ છે અને તેઓ દાનની પ્રણાલી સદા યથાવત રાખશે તેવી શ્રદ્ધા છે.

LEAVE A REPLY

1 × five =