યુકેમાં ભારતીય શાસ્ત્રીય કળા માટેની સૌથી મોટી સંસ્થા ભવને વાર્ષિક સ્થાપક દિવસની ઉજવણી ગીત, સંગીત, ક્લાસિકલ ડાન્સ, ઇન્સ્ટ્રુમેન્ટલ અને લેંગ્વેજ કોર્સના વિદ્યાર્થીઓએ દરેક વિભાગોમાં વિવિધ કલા પ્રદર્શનો રજૂ કરીને કરી હતી.
પ્રેક્ષકો સમક્ષ વિવિધ પ્રકારના પર્ફોર્મન્સ દ્વારા શાસ્ત્રીય ભારતીય કળાની ઊં
ડાણપૂર્વક વાત રજૂ કરવા ઉપરાંત કળા સ્વરૂપોના ભાવિ ટોર્ચબેરરની સખત તાલીમ પણ નજરે પડતી હતી. આ પ્રસંગે પ્રેક્ષકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કલા પ્રત્યેના તેમના અદભૂત સમર્પણ માટે બિરદાવી, પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના ડિપ્લોમા અને પોસ્ટ-ડિપ્લોમા અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તો વિદ્યાર્થીઓને તેમના અનુભવો શેર કરવા અને પ્રેક્ષકો સાથે વાત કરવા માટે પ્લેટફોર્મ અપાયું હતું.
શનિવાર તા. 28ના રોજ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. નંદકુમાર દ્વારા અને રવિવાર તા. 29ના રોજ રઘુ નંદકુમારની સંસ્કૃત પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા એર ઈન્ડિયા, લંડનના એરપોર્ટ મેનેજર , નિખિલ રાજન ઉપસ્થિત રહ્યા હતા અને આપણા જીવનમાં કળાના મહત્વ અને તેની અસરો વિશે તથા એર ઈન્ડિયા સાથે સતત સમર્થન, ભાગીદારી અને મિત્રતા વિશે પણ વાત કરી હતી.
અંતિમ દિવસે, ધ ભવનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેન્ડીડા કોનોલી મુખ્ય અતિથિ હતા અને તેમણે ભવનના ઇતિહાસ અને યુકેમાં ભારતીય કળાના પ્રચાર માટે જે મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે તેના વિશે ટૂંકમાં વાત કરી ગુણવત્તાયુક્ત તાલીમ અને કામગીરીની પ્રસંશા કરી હતી.
પાર્વતી નાયરે બંને દિવસે કાર્યક્રમનું એન્કરિંગ કર્યું હતું તો અન્વી પ્રભુ અને શાંતિ વેંકટેશે અનુક્રમે શનિવાર અને રવિવારે આભારદર્શન કર્યું હતું.
700થી વધુ વિદ્યાર્થીઓને ગૌરવ આપતા ધ ભવન, લંડન દ્વારા તેના નિવાસી શિક્ષકોની સહકારથી દર વર્ષે સંગીત, નૃત્ય અને ભાષાઓના 16 અભ્યાસક્રમો માટે તાલીમ આપવામાં આવે છે.














