Recommendation for Issuance of Employment Authorization Documents Cards to Green Card Applicants
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા લોકો માટે મોટી રાહતના સમાચાર છે. પ્રેસિડેન્શિયલ એડવાઇઝરી કમિશને ગ્રીન કાર્ડ એપ્લિકેશનના પ્રારંભિક તબક્કામાં રોજગાર અધિકૃતતા કાર્ડ (EADs) જારી કરવાની શક્યતાની ચર્ચાવિચારણા કરી છે. ડો બાઇડન સરકાર આ દરખાસ્તને મંજૂરી આપશે તો ગ્રીન કાર્ડની લાંબી આતુરતાનો અંત આવશે.

કમિશન એવી દરખાસ્ત કરી છે કે EB-1, EB-2, EB-3 કેટેગરીમાં વિઝા અરજીને આધારે માન્ય I-140 એમ્પ્લોયમેન્ટ ધરાવતા તથા પાંચ અથવા વધુ વર્ષોથી વિઝા બેકલોગમાં રાહ જોઇ રહ્યાં છે તેવા વ્યક્તિઓને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs) અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ જારી કરવામાં આવે. આવા વ્યક્તિઓએ તેમના સ્ટેટસમાં ફેરફાર કરવા માટે અરજી કરી છે કે નહીં તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે નહીં.

એશિયન અમેરિકન નેટિવ હવાઇયન એન્ડ પેસિફિક આઇલેન્ડર કમિશન માટેના પ્રેસિડેન્શિયલ એડવાઇઝરી કમિશનના સભ્યોએ મંગળવારે આ દરખાસ્ત પર વિગતવાર ચર્ચા કરી હતી. આ દરખાસ્ત જાણીતા ઇન્ડિયન અમેરિકનના અને કમિશનના સભ્ય અજય જૈન ભુટોરિયાએ કરી હતી. ભુટોરિયાએ તેમની રજૂઆતમાં એચવનબી વીઝા હોલ્ડર્સ સામેના પડકારોની વિગતવાર માહિતી આપી હતી.

કમિશને આ ભલામણ માટે વધુ વિગતો માગી હતી. કમિશનને તેની આગામી સંપૂર્ણ બેઠકમાં તેની ચર્ચાવિચારણા કરવાનો પણ નિર્ણય કર્યો હતો.ભુટોરિયાએ જણાવ્યું હતું કે આવા પગલાથી અમેરિકાને ફાયદો થશે, કારણ કે અમેરિકા વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)માં વૈશ્વિક પ્રતિભાને આકર્ષવાનું અને જાળવી રાખવાનું ચાલુ રાખી શકશે તથા ઘણા વિદેશી વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ડોક્ટર્સના જીવનમાં સુધારો થશે.

વિદેશી મૂળના કુશળ કામદારો તેમના ઇમિગ્રન્ટ વિઝાની મંજૂરી માટે લાંબા સમય સુધી રાહ જોઇ રહ્યાં છે ત્યારે આ ભલામણ કરવામાં આવી છે. લાંબી વિઝા પ્રોસેસને કારણે નોન ઇમિગ્રેન્ટ વિઝા એક્સ્પાય થઈ જાય તેવા કિસ્સામાં આવા કામદારોએ નોકરીની તક ગુમાવવી પડે છે અને દેશ છોડવાની ફરજ પડે છે. તેમણે નોંધ્યું હતું કે આવા વ્યક્તિઓને EADs આપીને તેમના ઇમિગ્રન્ટ વિઝા મંજૂર ન થાય ત્યાં સુધી અમેરિકા તેમની કુશળતા અને નિષ્ણાતતાનો લાભ મેળવી શકે છે.

આવી નીતિથી ઘણા વિદેશી વિજ્ઞાનીઓ, ઇજનેરો અને ડોક્ટર્સના જીવનમાં પણ સુધારો થશે, કારણ કે તેમણે વિઝા મંજૂરીની અનિશ્ચિતતા અને તણાવનો સામનો કરવો પડશે નહીં. EAD આપવાથી તેમને અને તેમના પરિવારોને વધુ સ્થિરતા અને સુરક્ષા મળશે.

આ દરખાસ્તથી અમેરિકા અને વિદેશી પ્રતિભાશાળી વ્યક્તિઓ એમ બંનેને લાભ થશે. પોતાની ભલામણોમાં ભુટોરિયાએ વિઝાના નિયંત્રણો, કારકિર્દીમાં પ્રગતિની મર્યાદિત તકો, ભેદભાવ, અનિશ્ચિતતા, લાંબા પ્રોસેસિંગ સમય, મર્યાદિત રોજગારી અને ટ્રાવેલની તક સહિતની એચવનબી વિઝા ધારકો સામેના પડકારોનો ઉલ્લેખ કર્યો છે.
આવા વ્યક્તિઓને EADs જારી કરવાથી તેમને વધુ સારી નોકરી, વધુ સારી રોજગાર સુરક્ષા અને બિઝનેસ શરૂ કરવાની તક મળશે. તેનાથી આવા વ્યક્તિઓ અમેરિકામાં રોકાણ કરી શકશે અને વિઝા સ્ટેમ્પિંગની ચિંતા વગર મુક્ત મુસાફરી કરી શકશે. તેમને માનસિક શાંતિ, વધુ સારું આરોગ્ય અને પરિવાર સાથે જોડાઈ રહેવાની પણ તક મળશે.

LEAVE A REPLY

fifteen − six =