If life is to be made sattva, excellent conduct, satsang is necessary

-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા

જીવનમાં સતત ઉત્તમ આચરણ અને સત્સંગ જરૂરી છે. આપણે તો સતત સદાચાર જીવન જીવવાનું છે. આચાર, વિચાર, આહાર, વિહારમાં આવી જ સાત્વિકતા હશે તો વ્યવહારમાં એ પ્રગટ થયા વગર રહેશે નહીં. આવા બનીશું ત્યારે આસપાસનું વાતાવરણ પણ સત્ત્વશીલ બની જશે.

કળિયુગ અંગે અનેક વિચારો કરવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે સૌ કહે છે કે આ કલિકાલ છે અને કલિકાલમાં કાંઈ કંઈ કેટલાય દોષ છે. શ્રીમદ્ ભાગવતના બારમા સ્કંદમાં કલિના દોષોનું વર્ણન છે, પણ એ વર્ણન કલિના દોષો દર્શાવવા માટે નથી કરાયું.

શ્રીશુકદેવજી મહારાજ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે, દોષોથી ભરેલા કલિને જયારે જુઓ ત્યારે એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી જોજો કેમકે, આટલા દોષોથી ભરેલા કલિકાલને પણ સંતોએ, મહાપુરુષોએ શ્રેષ્ઠ માન્યો છે અને એ એટલા માટે કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠીનતાથી થાય છે પણ કલિકાલમાં કેવળ કીર્તનથી જ ભગવાન સુલભ બને છે.
કીર્તન આપણે કરતાં નથી. ભગવાનનું ભજન આપણે કરતા નથી. ભજનમાં આપણી રુચિ નથી. આપણે આપણને દોષ દેતા નાથી. ઊલટાનો દોષ કલિને માથે દઈએ છીએ અને કહીએ છીએ કે આ કળિયુગ છે. વાસ્તવમાં આપણે જે યુગમાં જીવીએ છીએ એનો આધાર આપણા ઉપર છે.

જો તમે સૂતા હશો તો તમે કળિયુગમાં છો. આપણે સુષુપ્ત છીએ. સૂતેલા લોકો કળિયુગમાં છે, જાગે તે દ્વાપરમાં, જાગી ગયા આંખ ખૂલી તો દ્વાપરમાં, જાગ્યા ઊઠયા કે પહોંચ્યા દ્વાપરને દ્વારે. શૈયાનો ત્યાગ કર્યો તો સમજવું કે તમે ત્રેતામાં જીવી રહ્યા છો અને ચાલવા લાગ્યા તો સમજવું કે તમે સતયુગમાં છો. કાળને દોષ ન દેવાય. સમસ્યા કળિયુગની નથી.
ખબર નથી આપણે કેટકેટલા માણસોને દોષ દેતા હોઈએ છીએ!

અંધકાર સમસ્યા નથી. દીપ પ્રગટાવવાના પ્રયાસનો અભાવ સૌથી મોટી સમસ્યા છે. અંધકારને દોષ દઈને બેસી રહીને, અંધકારને ગાળો દેતા દેતા એની આલોચના કરવાથી અંધકારની સમસ્યાનું સમાધાન નહીં થાય. એ અંધકારને દૂર કરવાનો ઉપાય પણ નથી. જો એક માનવ દીપ પ્રાગટ્યનો પ્રયાસ કરે તો તે જ તેનો સાચો જવાબ છે. આપણો પ્રયાસ દીપ પ્રાગટ્યનો હોવો જોઈએ. જ્યાં પણ આગળ વધવું હોય તો દીપકની જેમ આગળ વધવાનું છે.
શ્રીમદ્ ભાગવત અધ્યાત્મ દીપ છે. સાત દિવસ સુધી આપણે શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરીએ છીએ, પાઠ કરીએ છીએ તો આપણી અંદર પણ જ્યોત પ્રગટ થાય છે.

ક્યારેક વ્યક્તિમાં જલન હોય છે, તે જલનને દીપકની જલન સાથે જોડી દેવાની છે, તેનાથી તમારામાં સકારાત્મકતા આવશે. બીજાને ઉપયોગી થવા માટે માટે જલો. ઈર્ષ્યા, દ્વેષ આ બધા જ દુર્ગુણોને ફેંકી દેવાના છે, હટાવી દેવાના છે.
કોઈ પૂછી શકે છે કે દીવાની શક્તિ કેટલી છે? એ તો બસ આસપાસ દસ-પંદર ફૂટ સુધી જ અંધકાર દૂર કરી શકે છે. બહુ બહુ તો થોડા અંતર સુધીની ધરતીને પ્રકાશિત કરી શકે છે. ધરતીનો બધો અંધકાર તે દૂર કરી શકતો નથી! તમારી આવી નિરાશાપૂર્ણ વાત દીપકને પ્રકાશિત કરવાથી રોકી નહીં શકે, કેમકે આ દીપક વિશ્વાસ, આશા અને ઉત્સાહથી ભરેલો છે. એ જરૂરી નથી કે ખાલી ધરતીનો અંધકાર દૂર કરી દઉં. મારી આસપાસ ફેલાયેલ અંધકારને દૂર કરી શકું. મારી આસપાસની ભૂમિને હું આલોકિત કરી શકું અને આ પ્રકારે પ્રગટીને જયારે આયુષ્યરૂપી તેલ સમાપ્ત થઇ જાય ત્યારે દુનિયાની દૃષ્ટિએ દીપક બુઝાય જાય છે, પણ ખરા અર્થમાં એ બુઝાતો નથી.

હું કહીશ કે એના માટે એક સુંદર શબ્દ છે કે દીપ નિર્વાણને પ્રાપ્ત કરે છે. એ નિર્વાણ છે. આવા વિશ્વાસ અને આવા સમર્પણ ભાવથી જે માણસ જીવે છે તે ન સમયને દોષ આપે છે ન દોષનો ટોપલો પરિસ્થિતિને માથે મૂકે છે અને ન તો સાધનોના અભાવને દોષ દે છે.“મારી પાસે આ હોત તો હું આમ કરત. મારી પાસે જો સાધન હોત તો હું આમ કરત.” આવું વિચારવાની ટેવવાળા માણસો કાંઈ કરી શકતા નથી.આ રીતે સત્કર્મ કરવા, સત્સંગ કરવો, સકારાત્મક જીવનશૈલી ઉતારવી. આવું કરીશું તો સર્વાંગી પ્રગતિ જીવનમાં થશે.

LEAVE A REPLY

sixteen − 6 =