New law proposed to end racial discrimination in California
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેલિફોર્નીઆમાં એક નવા કાયદાનો ખરડો (બિલ) રજૂ કરાયો છે, જેનો ધ્યેય દક્ષિણ એશિયાથી અહીં આવી વસેલા લોકોને જ્ઞાતિવાદી ભેદભાવ સામે રક્ષણ આપવાનો છે. આ પ્રદેશના વસાહતીઓની ફરિયાદ છે કે, તેઓ અમેરિકામાં ઘર, શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભેદભાવનો ભોગ બની રહ્યા છે.

રાજયના સેનેટર આયેશા વહાબ અહીં ચૂંટાયેલા પ્રથમ મુસ્લિમ અને અફઘાન અમેરિકન લોકપ્રતિનિધિએ ગયા સપ્તાહે બુધવારે આ ખરડો રજૂ કર્યો હતો, જેમાં રાજ્યના ભેદભાવ વિરોધી કાયદામાં જ્ઞાતિ (કાસ્ટ, જન્મ અથવા તો વંશ આધારિત લોકોનું વિભાજન) નો પણ ઉમેરો કરવાની જોગવાઈ છે. આયેશાના જણાવ્યા મુજબ જ્ઞાતિ પ્રથાના સૌથી નીચલા સ્તરમાં આવતા લોકો દલિતો તરીકે ઓળખાય છે અને તેઓ અમેરિકામાં પણ આ પ્રકારના ભેદભાવનો ભોગ બની રહ્યા હોવાના દાવા સાથે આવા કાયદાની માંગણી કરી રહ્યા છે. આયેશાના મતે જ્ઞાતિ આધારિત ભેદભાવ એક સામાજિક ન્યાય અને નાગરિક અધિકારોનો મુદ્દો છે.

જો કે, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ આવી નીતિઓનો વિરોધ કર્યો છે. તેમની દલીર એવી છે કે, આ સમુદાય હેટ ક્રાઈમ (ધિક્કાર, ઘૃણા આધારિત અપરાધો) અને ભેદભાવનો ભોગ તો બની જ રહ્યો છે, ત્યારે આવા પગલાંથી તેમને વધુ ગેરલાભ થશે. આ કાયદો ચોક્કસ રીતે હિન્દુઓ તેમજ ભારતીય અમેરિકન્સને નિશાન બનાવે છે, કારણ કે જ્ઞાતિ પ્રથા સાથે આ લોકો સહજ રીતે સંકળાયેલા ગણાય છે. જો કે, હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ તથા હિન્દુઝ ફોર કાસ્ટ ઈક્વિટી જેવા અન્ય ગ્રુપ્સે આ ખરડાને સમર્થન આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રોના 2016ના એક અહેવાલ મુજબ એશિયા, આફ્રિકા, મિડલ ઈસ્ટ તથા પ્રશાંત વિસ્તારના મોટી સંખ્યાના લોકો તેમજ આ વિસ્તારના વતનીઓ પણ અન્યત્ર જઈ વસેલા – ડાયેસ્પોરા સમુદાયોમાં બૌદ્ધો, ક્રિશ્ચિયન્સ, હિન્દુઓ, જૈનો, મુસ્લિમો તથા શિખ લોકોમાં જ્ઞાતિ પ્રથા આજે પણ પ્રવર્તમાન છે.આયેશા વહાબના કહેવા મુજબ જ્ઞાતિ પ્રથા તમામ સરહદો વટાવીને – ધર્મ તથા રાષ્ટ્રીયતાથી પણ આગળ વધીને તેનો પ્રભાવ ધરાવે છે.જો કે, તાજેતરમાં સીએટલ શહેર દ્વારા તો હજી ફેબ્રુઆરી મહિનામાં શહેરના સ્તરે અમેરિકામાં સૌપ્રથમવાર તેમજ તે અગાઉ વિવિધ પ્રદેશોની કેટલીયે કોલેજો તથા યુનિવર્સિટીઓએ જ્ઞાતિવાદી ભેદભાવ વિરૂદ્ધના કાયદા પસાર કર્યા છે.

LEAVE A REPLY

10 − six =