પાકિસ્તાની મૂળના 37 વર્ષીય મુસ્લિમ રાજકારણી અને હેલ્થ સેક્રેટરી હમઝા યુસુફને સ્કોટલેન્ડના આગામી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ સત્તાધારી સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) ના નેતા તરીકે નિકોલા સ્ટર્જનનું સ્થાન લેશે. તેઓ સ્કોટલેન્ડની સંસદમાં વોટ જીતી ગયા હતા અને તેમણે બુધવારે તા. 29ના રોજ સ્કોટલેન્ડ સરકારના નેતા તરીકે શપથ લીધા હતા.

છ અઠવાડિયાના અભિયાન પછી સોમવાર તા. 27ના રોજ બપોરે એડિનબરાના મુરફિલ્ડ રગ્બી ગ્રાઉન્ડ ખાતે સ્કોટલેન્ડના પ્રથમ અને એકમાત્ર મુસ્લિમ કેબિનેટ મિનિસ્ટર યુસફની જીતની પુષ્ટિ કરવામાં આવી હતી. યુસફે પ્રથમ રાઉન્ડમાં SNPના સભ્યોના 24,336 મતો જીત્યા હતા, જ્યારે તેમના મુખ્ય હરીફ સ્કોટલેન્ડના ફાઇનાન્સ સેક્રેટરી કેટ ફોર્બ્સે 20,559 મતો મેળવી બીજા ક્રમે રહ્યા હતા. જેન્ડર રેક્ગ્નાઇઝેશનના પ્રસ્તાવિત ફેરફારોના વિરોધને કારણે સરકાર છોડી દેનાર એશ રેગન 5,599 મતો સાથે ત્રીજા સ્થાને  રહ્યાં હતાં.

યુસફે સ્કોટલેન્ડના ઈંગ્લેન્ડ સાથેના ત્રણ શતાબ્દી લાંબા જોડાણને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે SNP પક્ષનું સુકાન સંભાળ્યુ છે. આ મહિને જ થયેલા મતદાન અનુસાર 10માંથી લગભગ ચાર સ્કોટીશ લોકો હજુ પણ સ્વતંત્રતાનું સમર્થન કરે છે, ત્યારે એક પ્રભાવશાળી અને કમાન્ડિંગ નેતા નિકોલા સ્ટર્જનનું પ્રસ્થાન યુનાઇટેડ કિંગડમના વિભાજન પાછળની ગતિને થોડી ધીમી કરી શકે છે.

સ્ટર્જનના રાજીનામા પાછળનું એક મહત્વનું કારણ એ હતું કે નવા લોકમત માટે દબાણ કેવી રીતે કરવું તે અંગે કોઈ સંમત વ્યૂહરચના નથી. સ્કોટલેન્ડના નેતૃત્વની આ હરીફાઈએ વડા પ્રધાન ઋષિ સુનક પરના કેટલાક દબાણને દૂર કર્યું છે. જેઓ હાલમાં તેમના પોતાના જ પક્ષમાં વિભાજન, હડતાળો અને ફુગાવાના ઊંચા સ્તર સાથે કામ કરી રહ્યા છે.

યુસફે સ્વતંત્રતા માટેના કેસના નિર્માણ અને ચળવળ માટે સતત સમર્થન હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી છે. તેમણે એકવાર સમર્થન મળી જાય પછી પ્રક્રિયાને આગળ ધપાવવા અંગે ખુલ્લા મનના છે તેમ જણાવ્યું છે.

યુસફનો જન્મ ગ્લાસગોમાં થયો હતો અને તેમના પિતા પાકિસ્તાનથી છે અને માતા કેન્યાથી છે. તેમને SNP દ્વારા પ્રમોટ કરાયેલ ઇન્ક્લુસિવ, સોસ્યલી લીબરલ અને મલ્ટી-એથનિક સ્કોટલેન્ડના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. 2016 માં, યુસફે સ્કોટિશ સંસદમાં કિલ્ટ પહેરીને ઉર્દૂમાં તેમની નિષ્ઠાના શપથ લીધા હતા. યુસફે પોતાના પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે સ્વતંત્ર સ્કોટલેન્ડે બ્રિટિશ રાજાશાહીને ખતમ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ.

2014માં લેવાયેલા લોકમતમાં સ્કોટલેન્ડના 55 ટકા લોકોએ સ્વતંત્રતાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેના બે વર્ષ પછી EU છોડવાના લોકમતમાં બહુમતી સ્કોટ્સ EUમાં રહેવા માગતા હતા. જ્યારે આ મહિને થયેલા ઓપિનિયન પોલમાં સ્વતંત્રતા માટેનું સમર્થન ઘટીને 39 ટકા થયું હતું. જે 2020માં રેકોર્ડ 58 ટકા હતું.

LEAVE A REPLY

nine − eight =