બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા માર્ચ 2021માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલી વસ્તી ગણતરીના વિશ્લેષણમાં આંકડા બાદ ‘રિલિજિયન બાય હાઉસિંગ, હેલ્થ, એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન’ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બ્રિટનમાં પોતાને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ 87.8 ટકાએ પોતાના સ્વાસ્થ્યને ‘ખૂબ સારું’ અથવા ‘સારું’ ગણાવ્યું હતું. જે સૌથી સ્વસ્થ અને સૌથી વધુ શિક્ષિત ધાર્મિક સમુદાયોમાંના એક છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ પ્રમાણ 82 ટકા હતું.

‘શીખ’ તરીકે ઓળખાવતા 77.7 ટકા લોકોએ પોતાનું ઘર હોવાનું જણાવ્યું હતું. ઘરની માલિકી ધરાવતા ‘ખ્રિસ્તી’ઓની સંખ્યા 36 ટકા હતી. જ્યારે આ પ્રમાણ એકંદર વસ્તીમાં 27.1 ટકા હતું. હિંદુઓમાં વિકલાંગતાના કેસ સૌથી ઓછા જણાયા હતા. લેવલ-ફોર કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોમાં સૌથી વધુ સંખ્યા (54.8 ટકા) હિંદુઓની હતી. જેની સામે સરેરાશ જનતાનો આંકડો 33.8 ટકા નોંધાયો છે.

2021માં, ‘મુસ્લિમ’ તરીકે ઓળખાતા લોકો ઈંગ્લેન્ડ અને વેલ્સની એકંદર વસ્તી કરતાં ગીચ ઘરોમાં રહેતા હોય તેવી શક્યતા લગભગ ચાર ગણી વધારે હતી. આ ઉપરાંત રોજગારીમાં 16 થી 64 વર્ષની વયના ‘મુસ્લિમ’ તરીકે ઓળખાનાર લોકોની ટકાવારી સૌથી ઓછી 51.4 ટકા હતી. જે સરેરાશ વસ્તીના 70.9 ટકા હતી.

2021ની વસ્તી ગણતરી સર્વેમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 24 મિલિયનથી વધુ ઘરો દ્વારા જવાબ અપાયા હતા. અગાઉ જાહેર થયું હતું કે ખ્રિસ્તી તરીકે ઓળખાતા લોકોની વસ્તી પ્રથમ વખત અડધા કરતા નીચે આવી હતી જ્યારે હિન્દુ, મુસ્લિમ અથવા શીખોની વસ્તીમાં નાનો વધારો નોંધાયો હતો. ONSએ નિર્દેશ કર્યો છે કે દેશમાં વિવિધ ધાર્મિક સમુદાયોના જીવનધોરણમાં નોંધપાત્ર તફાવત છે.

LEAVE A REPLY

five × four =