property tax

અમદાવાદ શહેરમાં આવેલી હજારો કોમર્શિયલ મિલકતોનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને આકરું વલણ અપનાવ્યું છે. હવે જે મિલકતોનો વર્ષોથી ટેક્સ બાકી હોય તેના રેવન્યૂ રેકર્ડમાં બોજો નોંધવાનું શરૂ કર્યું છે અને સૌપ્રથમ બંધન પાર્ટી પ્લોટનાં રેવન્યૂ રેકર્ડમાં બોજા નોંધ કરાવવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનની રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને પાણી, રોડ, ગટર અને લાઇટ સહિતની સુવિધા પૂરી પાડવા બદલ મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલે છે. દેશભરમાં સૌથી ઓછો પ્રોપર્ટી ટેક્સ અમદાવાદ જેવા મોટા શહેરમાં લેવાય છે, આમ છતાં ઘણા મિલકતધારકો બાકી ટેક્સ ભરતા નથી. તેમને પ્રોત્સાહનની સાથે રાહત સ્વરૂપે વ્યાજમાફી યોજના જાહેર કરી છે, તેની સામે પ્રમાણિકતાથી ટેક્સ ભરતાં નાગરિકો માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે.
વર્ષો પછી પણ 100 ટકા વ્યાજમાફીની યોજના જાહેર કર્યા પછી પણ જે કોમર્શિયલ મિલકતધારકો બાકી ટેક્સ ભરતા નથી તેમની મિલકત સીલ કરવાની સાથે સાથે મિલકત ટાંચમાં લઇ હરાજી કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. તેની સાથે સાથે હવે કોમર્શિયલ મિલકતનાં રેવન્યૂ રેકર્ડમાં બોજા નોંધ કરવા માટે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ હકારાત્મક પ્રતિભાવ આપીને તમામ મામલતદારોને મ્યુનિ. દ્વારા જે મિલકતનાં રેવન્યૂ રેકર્ડમાં બોજા નોંધ માટે લેખિતમાં પત્ર પાઠવવામાં આવે તેવી તમામ મિલકતનાં રેકર્ડમાં બોજા નોંધ (કાચી નોંધ) કરીને મિલકતધારકને નોટિસ પાઠવવા અને ત્યારબાદ કોઇ જવાબ કે ટેક્સ ભરપાઇ કર્યાની પહોંચ તથા મ્યુનિ. ટેક્સ ખાતાનું એનઓસી ન રજૂ કરે ત્યાં સુધી તેનાં રેવન્યૂ રેકર્ડમાંથી બોજા નોંધ દૂર નહીં કરવાનો આદેશ કર્યો છે.

LEAVE A REPLY

4 × 4 =