ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતા કેસમાં રાજ્યની હાઇકોર્ટ સમક્ષ પડતર અરજીની સુનાવણી નક્કી કરવાની માગ સાથે અરજદારોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની દલીલ હતી કે, કાયદાને પડકારતી તમામ અરજીઓ ટકી શકે તેમ હોવાનું હાઇકોર્ટે અગાઉ ઠરાવ્યું છે, તો પછી હવે આ કેસોની સુનાવણી કરીને તેનો નિર્ણય કરવો જોઇએ.

જ્યારે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે આ પ્રકારના કેસમાં કોઇ અરજન્સી ન હોવાથી તેમાં તાકીદની સુનાવણીની કોઇ જરૂર ન હોવાની દલીલ કરી હતી. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ. જે. દેસાઇ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ કેસની સુનાવણી ૭ ઓગસ્ટે નક્કી કરી છે. તેથી હવે ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ મળી શકે કે નહીં, નશાબંધીના કાયદાની જોગવાઇઓ રદ થઇ શકે કે નહીં તે અંગે હાઇકોર્ટ ચૂકાદો આપશે.

ગુજરાતમાં અમલી દારૂબંધીના કાયદાને ગેરબંધારણીય, ગેરવાજબી, મનસ્વી, ભેદભાવયુક્ત અને વર્ગવિગ્રહ કરવાનો જાહેર કરી તેને નાબૂદ કરવાની દાદ માગતી પાંચ અરજી હાઇકોર્ટ સમક્ષ થઇ છે. જે અરજીઓની સુનાવણી નક્કી કરવા એક વધારાની અરજી થઇ હતી. જેમાં અરજદાર તરફથી સીનિયર એડવોરકેટ સૌરભ સોપારકરે દલીલ કરી હતી કે,‘રાજ્ય સરકારની નશાબંધીની નીતિ-કાયદાને પડકારતી આ અત્યંત રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ મેટર છે, પરંતુ ઘણા લાંબા સમયથી એ પડતર હોવાથી હવે તેની સુનાવણી માટે કોઇ ચોક્કસ સમય નક્કી થવો જોઇએ.’

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત હતી કે,‘દિવાળી કે એના પછી આ કેસની સુનાવણી નક્કી કરાય તો કોઇ વાંધો નથી.’ અરજદાર પક્ષે કહ્યું હતું કે,‘દિવાળી તો બહુ દૂર છે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે અમારી અરજી સાચી અથવા ખોટી પણ હોઇ શકે, પરંતુ એને ન્યાયોચિત અંત સુધી પહોંચાડવી પડે.’
સીનિયર એડવોકેટે એવી પણ રજૂઆત કરી કે,‘અમે રાજ્યના નશાબંધીના કાયદાને પડકાર્યો છે. જો અમે સાચા હોઇશું તો આ કાયદો દૂર થશે, જો ખોટાં હોઇશુ તો કાયદો અકબંધ રહેશે, પરંતુ સરકારને કઇ રીતે એવો અધિકાર મળી જાય કે તેઓ આ કેસની સુનાવણી ન થાય તેવું કહી શકે.’

LEAVE A REPLY

one × 1 =