(@NDRFHQ on X via PTI Photo)

છેલ્લાં એક સપ્તાહથી સતત ધોધમાર વરસાદને પગલે આખુ ગુજરાત તરબોળ બન્યું હતું. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા હતાં અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેસાણા જિલ્લાના વડનગરમાં જૂની વાગડી નજીક સાબરમતી નદીમાં રેતી લેવા ગયેલા 7 લોકો નદીના પ્રવાહમાં ફસાઈ હતાં. જોકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ (NDRF)ની ટીમે કલાકોની મહેનત બાદ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા પછી સાબરમતીમાં જળસ્તર વધતા મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર, ખેડા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કર્યા હતાં.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યા હતા અને તેનાથી સાવચેતીના ભાગરૂપે જાહેર જનતા માટે વોકવે બંધ કરાયો હતો. રવિવાર, 24 ઓગસ્ટે અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 6 ગેટને ખોલાયા હતા અને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યો હતો.

રાજ્યમાં 24 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 78.82 ટકા થયું હતું, 59 જળાશયો છલોછલ થઈ ગયા હતાં, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ પર હતાં. કચ્છમાં સૌથી વધુ 83 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.66 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ વરસાદ નોંધાયો હતો.

42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ

ગુજરાતના 42 તાલુકામાં 24 ઓગસ્ટ સુધીમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા 101.37 ઈંચ સાથે મોખરાના સ્થાને રહ્યો હતો. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં 80 ઈંચથી વધુ મેઘમહેર થઈ હતી. જો રાજ્યના કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા-હારીજ-શંખેશ્વર-સાંતલપુર-સમી-રાધનપુર, બનાસકાંઠાના સુઇગામ, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પોસિના, મહેસાણાના જોટાણા-કડી, અમદાવાદના ધોલેરા-સાણંદ, છોટા ઉદેપુરના ક્વાંટ-નસવાડી, પંચમહાલના ઘોઘંબા-હાલોલ-મોરવા હડફ, ખેડાના ઠાસરા સીઝનનો હજુ 60 ટકાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY