ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ ઈજાના કારણે ભારત સામે આ સપ્તાહે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી શકશે નહીં. હેઝલવૂડને આઇપીએલ દરમિયાન ઈજા થઈ હતી અને તે ૭મી જુને રમાનારી ફાઈનલ પહેલા ફિટ થઈ જશે તેમ મનાતું હતુ. જોકે તેની હાલતમાં ખાસ ફરક પડયો નથી અને આ જ કારણે ઓસ્ટ્રેલિયાએ હેઝલવૂડના સ્થાને માઈકલ નેસેરનો ટીમમાં સમાવેશ કર્યો છે.
હેઝલવૂડની ઈજાના કારણે હવે ઓસ્ટ્રેલિયા બોલેન્ડનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરે તેવી શક્યતા વધી છે. હેઝલવૂડની જૂની ઈજા આઇપીએલ દરમિયાન વકરી હતી અને તેના કારણે તેની બોલિંગની લયને અસર થઈ હતી. શરૂઆતની ત્રણ મેચ પછી તે આઇપીએલમાં પણ રમ્યો નહોતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે, જોશ ફિટ થવાની ઘણી નજીક છે. જોકે અમારો આગામી કાર્યક્રમ ભરચક છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી અમારે એશિઝ રમવાની છે. તે ૧૬મી જુનથી શરૂ થઈ રહેલી એશિઝ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જાય તેમ અમે ઈચ્છીએ છીએ અને આ જ કારણે તેને અમે પુરતો સમય આપવાનું નક્કી કર્યું છે.