ભારતમાં માધ્યમિક સ્કૂલ લેવલે સૌથી ઊંચો ડ્રોપઆઉટ રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં 2021-22માં માધ્યમિક સ્તરે સ્કૂલ ડ્રોઆઉટ રેટ રાષ્ટ્રીય સરેરાશ 12.6 ટકા કરતાં ઊંચો રહ્યો હતો. આ સાત રાજ્યોમાં ગુજરાત ઉપરાંત બિહાર, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, મેઘાલય, અને કર્ણાટકનો સમાવેશ થાય છે. બિહારમાં સૌથી ઊંચો 20.46 ટકા ડ્રોઆઉટ રેટ હતો, જ્યારે ગુજરાતમાં 17.85 ટકા રહ્યો હતો.
આ માહિતી 2023-24 માટે “સમગ્ર શિક્ષા” કાર્યક્રમના અમલીકરણ અંગે ચર્ચાવિચારણા કરવા શિક્ષણ મંત્રાલય હેઠળ યોજાયેલી પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ (PAB)ની બેઠકોની કાર્યનોંધોમાંથી એકત્રિત કરવામાં આવી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે આ બેઠકો ચાલુ વર્ષે માર્ચ અને મે વચ્ચે થઈ હતી.
કાર્યનોંધ દર્શાવે છે કે 2021-22માં બિહારમાં માધ્યમિક સ્તરે ડ્રોઆઉટ દર 20.46 ટકા, ગુજરાતમાં 17.85 ટકા, આસામમાં 20.3 ટકા, આંધ્રપ્રદેશમાં 16.7 ટકા, પંજાબમાં 17.2 ટકા, મેઘાલયમાં 21.7 ટકા અને કર્ણાટકમાં 14.6 ટકા રહ્યો હતો.
મધ્યપ્રદેશમાં માધ્યમિક લેવલે 2020-21માં ડ્રોઆઉટ રેટ 23.8 ટકા હતો, જે 2021-22માં ઘટીને 10.1 ટકા થયો હતો. મહારાષ્ટ્રમાં માધ્યમિક સ્તરે વાર્ષિક સરેરાશ ડ્રોપઆઉટ રેટ 2020-2021ના 11.2 ટકાથી ઘટીને 2021-2022માં 10.7 ટકા થયો હતો.