અમેરિકાની ત્રણ દિવસની ઐતિહાસિક યાત્રા પર રવાના થતાં પહેલા મંગળવાર, 20 મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની યુએસ મુલાકાત ભારત-યુએસ ભાગીદારીની ગહનતા અને વિવિધતાને સમૃદ્ધ બનાવવાની એક તક હશે તથા બંને દેશો સંયુક્ત વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે મળીને વધુ મજબૂત છે.
પીએમ મોદીના આગામી ત્રણ દિવસના શેડ્યૂલમાં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને દુર્લભ સંબોધન, બિઝનેસ લીડર્સ અને ઇન્ડિયન કમ્યુનિટી સાથે વાર્તાલાપ તથા યુએસ પ્રમુખ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન તરફથી સત્તાવાર મુલાકાત માટેનું આ “વિશેષ આમંત્રણ” બંને દેશો વચ્ચેની ભાગીદારીની ગતિશીલતા અને જોમનો સંકેત આપે છે. PM મોદી 20 જૂનની સવારે અમેરિકા જવા રવાના થયાં. ભારત પરત ફરતા પહેલા તેઓ અમેરિકાથી ઈજિપ્ત જશે.
યુએસ અને ઇજિપ્તની તેમની મુલાકાત માટે રવાના થતાં પહેલા મોદીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડન અને અન્ય વરિષ્ઠ યુએસ નેતાઓ સાથેની તેમની ચર્ચાવિચારણાથી દ્વિપક્ષીય સહયોગ તથા જી20, ક્વાડ અને આઇપીઇએફ (ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી) જેવી આંતરરાષ્ટ્રીય ફોરમને મજબૂત કરવાની તક મળશે.
વડા પ્રધાને કહ્યું હતું કે હું મારી મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ કરીશ, જ્યાં હું 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે UN નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશ. આ પછી મોદી વોશિંગ્ટન ડીસી જશે. તેઓ પ્રેસિડન્ટ બાઇડન અને પ્રથમ મહિલા સાથે સત્તાવાર ભોજન સમારંભમાં સંખ્યાબંધ મહાનુભાવો સાથે પણ જોડાશે. તેઓ અમેરિકા સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધન કરશે.
એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં તેમને બિઝનેસ લીડર્સને, ભારતીય સમુદાયને અને જીવનના વિવિધ ક્ષેત્રના વિચારશીલ નેતાઓને મળવાની તક પણ મળશે. અમે વેપાર, વાણિજ્ય, નવીનતા, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-યુએસએ સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ.
ઇજિપ્તની તેમની મુલાકાત અંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે “હું પ્રેસિડન્ટ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર વોશિંગ્ટન ડીસીથી કૈરો જઈશ. હું પ્રથમ વખત નજીક મિત્ર દેશની સત્તાવાર મુલાકાત માટે ઉત્સાહિત છું.”