પ્રખ્યાત પિયાનોવાદક, સંગીતકાર રાકેશ ચૌહાણને બ્રિટિશ એશિયન સમુદાયમાં સંગીતની સેવાઓ અને ચેરિટી અને માનસિક સ્વાસ્થ્ય માટેની સેવાઓ માટે મેડલિસ્ટ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર (BEM) એનાયત કરાયો હતો.
રોયલ આલ્બર્ટ હોલ, બર્મિંગહામ સિમ્ફની હોલ, સંસદના ગૃહો અને 60,000થી વધુ લોકો સમક્ષ એરેનામાં પરફોર્મ કરનાર અને રાકેશ ચૌહાણ પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ અન્યને ટેકો આપવા માટે કરે છે. તેઓ ડચેસ ઑફ કેન્ટ અને નિકોલસ રોબિન્સન દ્વારા સ્થપાયેલી ચેરિટી ફ્યુચર ટેલેન્ટ માટેના એમ્બેસેડર છે. જેનો હેતુ ઓછી આવક ધરાવતાં યુવા સંગીતકારોને ખીલવામાં મદદ કરવાનો છે.
રોગચાળા દરમિયાન સંગીત દ્વારા લોકોના માનસિક સ્વાસ્થ્યને ટેકો આપનાર ચૌહાણે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “રોગચાળા દરમિયાન, મેં સંખ્યાબંધ સખાવતી સંસ્થાઓ સાથે જાગૃતિ વધારવા માટે કામ કર્યું હતું. માનસિક સ્વાસ્થ્યની આસપાસના કલંકને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને સાઉથ એશિયન સમુદાયોમાં હાલત કપરી હતી. હું તેમની વાર્તાઓ કહેવા માટે સંગીતનો ઉપયોગ કરવા માંગતો હતો. આ એવોર્ડ મને ચેરિટી કાર્ય ચાલુ રાખવા માટે વધુ પ્રોત્સાહન આપે છે.”