વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
તેમણે પ્રાસંગિક સંબોધનમાં યુએસએમાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે ભારતીય સમુદાયના સભ્યોને અભિનંદન આપ્યા અને અમૃતકાળ દરમિયાન ભારતના વિકાસમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારત-યુએસએ સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમનો આભાર પણ માન્યો અને દ્વિપક્ષીય ભાગીદારીના ભાવિ ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો. આ ઉપરાંત તેમણે અમેરિકામાં વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાનની અમેરિકામાં અગ્રણી વ્યાવસાયિકો સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના તેમના પ્રવાસ દરમિયાન 23 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે યુએસએમાં વ્યાવસાયિકોની એક સભાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુએસ–ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા કરવામાં આવ્યું હતું. યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ, એન્ટોની બ્લિંકન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને સંબોધન ભારતમાં હાલમાં ચાલી રહેલા ગહન પરિવર્તન અને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. “આ જ ક્ષણ છે” પર ભાર મૂકતા તેમણે વ્યાવસાયિકોને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લગભગ 1000 અગ્રણી વ્યવસાયિકોએ હાજરી આપી હતી.

આલ્ફાબેટ ઇન્ક અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સાથે મુલાકાત
તેઓ વોશિંગ્ટન ડીસીમાં આલ્ફાબેટ ઇન્ક. અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇને મળ્યા હતા. વડાપ્રધાને પિચાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ફિનટેક; સાયબર સુરક્ષા ઉત્પાદનો અને સેવાઓ; તેમ જ ભારતમાં મોબાઈલ ઉપકરણ ઉત્પાદન ક્ષેત્રોમાં સહયોગના વધુ માર્ગો શોધવા આમંત્રણ આપ્યું હતું. પિચાઈએ R&D અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે Google અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.

એમેઝોનના પ્રેસિડેન્ટ અને સીઈઓ એન્ડ્રુ આર. જસ્સી સાથે મુલાકાત
વડાપ્રધાન એમેઝોનના પ્રેસિડેન્ટ અને સીઈઓ એન્ડ્રુ આર. જસ્સીને મળ્યા હતા. તેમની વચ્ચે ઈ-કોમર્સ ક્ષેત્ર પર ચર્ચા થઇ હતી. તેઓએ ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે એમેઝોન સાથે વધુ સહયોગની સંભાવના અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવાની એમેઝોનની પહેલને આવકારી હતી.
બોઇંગના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેવિડ એલ. કાલ્હૌન સાથે મુલાકાત
વડાપ્રધાન બોઇંગના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેવિડ એલ. કાલ્હૌનને મળ્યા હતા.
તેમણે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે બોઇંગની વધુ હાજરી અંગે ચર્ચા કરી હતી, જેમાં એરક્રાફ્ટની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO)ના ડોમેનનો સમાવેશ થાય છે. વડાપ્રધાને ભારતમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે બોઇંગને પણ આમંત્રણ આપ્યું હતું.

 

LEAVE A REPLY

one + nineteen =