આ ફિલ્મની વાર્તા સાંબલપુરમાં એક રાજકીય રેલીથી શરૂ થાય છે, જેમાં રાજકીય કારકિર્દી વિકસાવવા માટે મહત્વાકાંક્ષી વિક્કી સિંહ (સુમિત વ્યાસ) તેના જમણા હાથ સમાન અને સ્થાનિક ગુંડા ચંદન (શારીબ હાશ્મી)ની મદદથી પોતાની રેલી પર હુમલો કરે છે. પણ તે હુમલા પછી બે સમુદાયો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. આ આખી ઘટના રેકોર્ડ થઈ જાય છે અને સોશિયલ મીડિયામાં આગ લગાડે છે અને તેનાથી વિક્કીની નહીં પણ તેના ભાવિ સસરા જ્ઞાન સિંહ ઉર્ફે હુકુમ સિંહની પ્રતિષ્ઠાને ફટકો પડે છે. વિક્કી કોઈપણ ભોગે યુવા નેતા તરીકે સ્થાપિત થવા ઇચ્છે છે અને આ રાજકીય મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે વિસ્તારની ભ્રષ્ટ પોલીસ તેના તમામ કૌભાંડોમાં તેને ટેકો આપે છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકી, ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ, સુમીત વ્યાસ, શારીબ હાશ્મી જેવા કલાકારોએ અભિનય આપ્યો છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુધીર મિશ્રા ‘હઝારો ખ્વાહીશે એસી’, ‘ધારાવી’, ‘ચમેલી’, ‘ઈસ રાત કી સુબહ નહીં’, ‘યે સાલી જિંદગી’ જેવી લોકપ્રિય અને વિચારપ્રેરક ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે, પણ સેકન્ડ હાફમાં સ્ટોરી પલટાઈ જાય છે. ઘટનાઓને થ્રિલર શૈલીમાં રજૂ કરવી એ સુધીર મિશ્રાની વિશેષતા રહી છે અને તે વિશેષતા અહીં પણ જોવા મળે છે. ફેક ન્યૂઝની સાથે સાથે આ ફિલ્મ જાતીય શોષણ, સાંપ્રદાયિકતા જેવા મુદ્દાઓને પણ હાઇલાઇટ કરે છે.
સોશિયલ મીડિયા પર જે રીતે ફેક ન્યૂઝનો ટ્રેન્ડ થઈ રહ્યો છે તે જોઈને ડરનો અનુભવ થઈ રહ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સંભવિત લાગે છે. સિનેમેટોગ્રાફર મોરસિયો વિડાલે રાત્રિ અને રાજસ્થાનની ભયાનકતાને સારી રીતે કેદ કરી છે. રાજસ્થાની લોક ગાયક મામે ખાન અને સુનેત્રા બેનર્જીએ ગાયેલું, ‘આજ યે બસંત મેં ગહેરા અસર હૈ’ વાર્તાને ગતિ આપે છે.