તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના કાર અકસ્માતમાં મોત થયા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે યુવતીનો સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતાં હતાં. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને અકસ્માતને ભેટ્યાં હતા. મૃતકોમાં બે વિદ્યાર્થી પોરબંદરના, એક યુવતી બનાસકાંઠાની અને એક યુવતી વડોદરાની હતી.
સ્થાનિક મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોની ઓળખ પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા અને પૃષ્ટિ પાઠક તરીકે થઈ હતી. તુર્કીમાં કિરેનિયા નજીક થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને ભારતમાં લાવવાની પરિવારે માગ કરી હતી.