મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં પેશાબકાંડનો ભોગ બનેલા આદિવાસી યુવકના રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહે ચૌહાણે પગ ધોયાં હતાં, આરતી ઉતારી હતી અને માફી માગી હતી. શિવરાજ સિંહે પીડિત દશમત રાવતને ભોપાલમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું હતું. મુખ્યપ્રધાને પીડિતનું શાલ અને શ્રીફળ આપીને સન્માન કર્યું હતું. તેમના કપાળ પર તિલક લગાવ્યું હતું અને ભગવાન ગણેશની મૂર્તિ ભેટમાં આપી હતી. દશમતને ખુરશીમાં બેસાડ્યો હતો અને મુખ્યપ્રધાન પાટલા પર બેઠા હતાં. આ પછી મુખ્યપ્રધાને પીડિતના પગ ધોયાં હતાં. પગ ધોયા બાદ ચૌહાણે દુ:ખ વ્યક્ત કરવા માટે આ પાણી પોતાના માથા પર ચડાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે.
પોલીસે બુધવારે દશમત પર પેશાબ કરનારા પ્રવેશ શુકલાની ધરપકડ કરી હતી અને તેની સામે આકરા નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.