યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા ચેનલો પર ઉભરી રહેલા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ભારત વિરોધી હુમલાઓની ધમકીઓ અને લંડનમાં ભારતના હાઈ કમિશન પર થતો કોઈપણ સીધો હુમલો “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે. બ્રિટનમાં આવેલા ભારતના રાજદ્વારી મિશનમાં રહેતા કર્મચારીઓની સુરક્ષા સર્વોપરી છે.’’

ક્લેવર્લીએ ટ્વિટર પર જાહેર કર્યું હતું કે તેમનો હસ્તક્ષેપ યુએસ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશનને લક્ષ્ય બનાવીને અપાતી ધમકીઓ અને હુમલાઓને તથા યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સલ જનરલ ડૉ. શશાંક વિક્રમની તસવીરો સાથેના ધમકીભર્યા પોસ્ટરોને અનુસરે છે.

ક્લેવર્લીએ કહ્યું હતું કે “અમે વિક્રમ દોરાઈસ્વામી અને ભારત સરકારને સ્પષ્ટ કર્યું છે કે હાઈ કમિશનમાં સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે.”

સોમવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે “કટ્ટરપંથી, ઉગ્રવાદી ખાલિસ્તાની વિચારધારા” ભારત અથવા તેના ભાગીદાર દેશો જેમ કે યુએસ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદાર દેશો માટે સારી નથી. અમે આ ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે જ્યાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ખાલિસ્તાનીઓને જગ્યા ન આપવી. કારણ કે તેમની કટ્ટરપંથી, ઉગ્રવાદી વિચારસરણી ન તો અમારા માટે સારી છે કે ન તો તેમના માટે કે ન તો આપણાં સંબંધો માટે.”

આ દેશોમાં ઉભરી રહેલા ધમકીભર્યા પોસ્ટરો અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાવવાના બનાવો તેના તાજા ઉદાહરણો છે.

LEAVE A REPLY