મોદી સરનેસ અંગેના બદનક્ષી કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. બીજી તરફ આ કેસના ફરિયાદી અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બુધવારે સુર્વોચ્ચ અદાલતમાં એક કેવિયેટ દાખલ કરી હતી અને પોતાનો પક્ષ પણ સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ બદનક્ષીના આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કેટલીક આકરી ટીપ્પણીઓ કરી હતી.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અરજી દાખલ કરશે. તે માટેની તૈયારી ચાલુ છે. આ કેસમાં સિંઘવી રાહુલ ગાંધીના વકીલ પણ છે. સુરતની કોર્ટે આ ગુનાહિત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલસજા કરી હતી. સેશન કોર્ટે પણ સુરત કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. તેનાથી રાહુલ ગાંધી સંસદસભ્ય પદેથી ગેરલાયક ઠર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટ તેમની સજા પર સ્ટે મૂકશે તો તેઓ ફરી સાંસદ બની શકે છે.ફરિયાદી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તો કોર્ટે તેમનો પક્ષ પણ સાંભળવો જોઇએ. તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઇ આદેશ આપવામાં ન આવે.