પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે કૃપા કરી અને પોતાના પ્રિય પાર્થના માધ્યમથી આ અમૃત સમગ્ર વિશ્વને માટે વિતરણ કરી રહ્યા છે. સમસ્ત સંસારના કલ્યાણનો માર્ગ શ્રીકૃષ્ણે પ્રબોધ્યો છે. આપણું શરીર એ જ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર છે.

ચાલો, આપણે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ‘‘પ્રભુ, અમે અગણિત અપરાધ કર્યા છે. અમે તારી ખૂબસૂરત દુનિયાને બદસૂરત કરી નાખી છે, અમને સન્મતિ આપો, સદ્‌બુદ્ધિ આપો, પ્રભુ! તારી દુનિયા પવિત્ર હો, જીવવા લાયક હો, અમને આ પૃથ્વીગ્રહના વાસી છીએ તેનું ગૌરવ થાય.’’
આપણાં બાળકોને તમે એ શીખવાડજો કે આ દેશ પાસે ઋષિ સંસ્કૃતિનો અણમોલ વારસો છે.

આપણા સંતાનો આ વારસાની કિંમત સમજી આખા વિશ્વને કહે છે કે વિશ્વબંધુત્વ અને પ્રેમનો સંદેશો લઇને આખી દુનિયામાં ચારે તરફ તેનો પ્રસાર કરવાનું પણ શીખવજો.
ભગવાન માત્ર સત્સંગથી પ્રસન્ન નહીં થાય. એવું કેવું કે તમે ભગવાનનું નામ લો અને તેમનું કામ ન કરો? હનુમાનજી ૧૦૦ યોજન સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા હતા. તે સમયે વિભીષણજી નિદ્રાધીન હતા. હનુમાનજી ત્યાં પહોંચે છે પછી જાગે છે. સંતોએ તેનો અર્થ એવો કર્યો છે કે વિભીષણ રામભક્ત તો હતા, પરંતુ નિદ્રાધીન હતા. માત્ર માળા કરનાર જ ભક્ત છે એવું નથી આપણે જાગૃત ભક્ત બનવાનું છે. માટે જ ભગવાનનું નામ તો લો જ અને સાથે તેમનું કામ પણ કરવાનું છે.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ટોચનું જ્ઞાન, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપ્યું છે. વસુધા એટલે કે પૃથ્વી. એક સુધા સ્વર્ગમાં છે અને એક વસુધા ઉપર જે સુધા છે, તે શ્રીમદ્ ભગવદ્ ગીતા. દુગ્ધં ગીતામૃતં મહત્ – સુધા એટલે અમૃત, વિચાર કરો કે જે

સ્વર્ગના દેવતાઓને પણ પ્રાપ્ત નથી, જે સ્વર્ગનાં દેવતાઓનાં ભાગ્યમાં પણ નથી તે વસુધા ઉપર વસેલા ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલી આ સુધાને પીને જે હસેલાપ્રસન્નતાને પામેલા) અને સંસારમાંથી ખસેલા(પૂર્ણ જ્ઞાનથી વિમુખ થઈ ગયેલા) આવા લોકોને પ્રાપ્ત છે. એટલે સ્વર્ગના દેવતાઓ કરતાં પણ પૃથ્વી ઉપરના આવા માનવ બનવું કે જે ગીતારૂપી અમૃતનું પાન કરે છે તે મોટું ભાગ્ય છે, તે મોટું સૌભાગ્ય છે.
સ્વર્ગની સુધા તો પુણ્યથી મળે, પરંતુ વસુધા પર આ સુધા? તો જવાબ છે, શ્રીમદ્ ભગવદ્ ગીતારૂપી આ સુધા એટલે કે કથા એ તો પ્રભુની કૃપાથી મળે.
વર્તમાન સમયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી શીખવાનું છે કે શ્રીકૃષ્ણે ગૌમાતાની સેવા કરી હતી અને ગોવર્ધનરૂપી પ્રકૃતિનો યજ્ઞ કરવાનું આપણને શીખવ્યું હતું. પ્રકૃતિની પૂજા કરો. વૃક્ષોને કાપો નહીં, વૃક્ષોને વાવો.

જે વૃક્ષને કાપે છે અને કુહાડીથી પ્રહાર કરે છે, એ માણસે સમજવું જોઇએ કે તે સમગ્ર માનવતાનાં અસ્તિત્વ ઉપર પ્રહાર કરી રહ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યજ્ઞની વાત પણ કરી છે. આ વિચારધારામાં તો ઋષિઓએ કલ્પેલી યજ્ઞની ભાવના છે પણ ધર્મને માનવતાવાદી બનાવવાની વાત જ છે. એટલે કે વસ્ત્ર વગરનાંને વસ્ત્ર આપવા તે યજ્ઞ છે.

રોગી રૂપિયાનાં અભાવમાં દવા નથી કરાવી શકતો, ચિકિત્સા નથી કરાવી શકતો ત્યારે તેની ચિકિત્સા કરાવવી તે યજ્ઞ છે. મહત્ત્વની વાત એ છે કે આ પ્રસાદ છે એટલે આપનારાને પણ અહંકાર નથી આવતો અને લેનારાને પણ લઘુતા નથી આવતી. કોઇને બિચારા બનાવીને નથી આપવાનું.
પ્રસાદમાં એવો ભાવ છે કે મારા જેટલો જ આ પ્રસાદ ગ્રહણ કરવાનો તું પણ અધિકારી છે.

કોઇ વ્યક્તિ એક કિલો પેંડાનું પેકેટ ખરીદે ત્યારે તેનામાં એવો ભાવ હોય કે તે મારું છે, પરંતુ એ જ્યારે મંદિરે જાય અને ભગવાનને તે અર્પણ કરી દીધા પછી તેના મારાપણાની ભાવના ખતમ થઇ જાય છે અને પછી એ પ્રસાદ બની જાય છે અને માટે તેને વહેંચીને ખાવાની વાત છે અને સાથે જ તેનો દુરુપયોગ પણ ન થવો જોઇએ.
ભગવાનની શ્રીકૃષ્ણની શ્રીમદ્ ભગવદ્ ગીતારૂપી સુધાનું સુપાત્ર બની રસપાન કરીએ અને પ્રકૃતિનું સંરક્ષણ કરીએ, તેની જાળવણીએ કરીએ અને માનવતા અને પ્રેમને પ્રસરાવીએ. ચાલો, આપણે સૌ પ્રકૃતિના સંરક્ષણની સાથે પ્રભુ-નામસ્મરણ કરીને નિઃસ્વાર્થ પ્રેમને વહાવીએ.

LEAVE A REPLY

12 − four =