(Photo by TOLGA AKMEN,PUNIT PARANJPE/AFP via Getty Images)

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના સત્તાધારી એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળના વિપક્ષ મંગળવાર, 18 જુલાઇએ પોતાના સાથી પક્ષોની બેઠક યોજીને શક્તિપ્રદર્શન કરશે. એનડીએની બેઠકમાં 38 સાથી પક્ષોના નેતાઓ હાજર રહે તેવી ધારણા છે, જ્યારે વિપક્ષના ગઠબંધનમાં 26 પક્ષો હાજરી આપી રહ્યાં છે.
વિરોધ પક્ષો એકજૂથ થઈને ભાજપને લડત આપવાની વ્યૂહરચના ઘડવા માટે 17-18 જુલાઇએ બેંગલુરુમાં તેમની આવી બીજી બેઠક યોજી રહ્યાં છે ત્યારે ભાજપ પણ એનડીએના નવા અને કેટલાંક જૂના સાથી પક્ષોની એક બેઠક બોલાવવાની તૈયારી કરી રહ્યો છે. ભાજપના વડપણ હેઠળ એનડીએની 18 જુલાઇએ યોજાનારી બેઠકમાં લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન સહિતના પક્ષો સામેલ થાય તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય શુક્રવારે રાત્રે એક અઠવાડિયામાં બીજી વખત ચિરાગ પાસવાનને મળ્યા હતા. LJP(R)એ પણ તેના નેતાને ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ લખેલો પત્ર શેર કર્યો હતો, જેમાં તેમને NDA મીટિંગમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. નડ્ડાએ બિહારના આ પ્રાદેશિક પક્ષને NDAનો મુખ્ય ઘટક ગણાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અધ્યક્ષે વિવિધ પક્ષોના નેતાઓને આવા આમંત્રણ પત્રો લખ્યાં છે. હિન્દુસ્તાની અવામ મોરચાના જીતન રામ માંઝીને આમંત્રણ અપાયું છે. તેમના પુત્ર સંતોષ કુમાર સુમને જણાવ્યું હતું કે તેઓ 18 જુલાઈની બેઠકમાં હાજરી આપશે. તેમને નડ્ડા તરફથી પણ આમંત્રણ મળ્યું છે. એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, અજિત પવારના નેતૃત્વમાં એનસીપી જૂથ, બિહાર અને ઉત્તરપ્રદેશના ઘણા નાના પક્ષો અને પૂર્વોત્તર રાજ્યોના પ્રાદેશિક પક્ષો પણ આ બેઠકમાં હાજર રહી શકે છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા આ બેઠક એનડીએના તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવે છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શિરોમણી અકાલી દળ અને જનતા દળ (યુનાઇટેડ) સહિત ભાજપના જૂના અને મુખ્ય સાથી એનડીએ છોડી ગયા તે પછી મોદી સરકારના બીજા કાર્યકાળ એનડીએની આવી મોટી બેઠક પ્રથમ વખત યોજાઈ રહી છે.

2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાન એનડીએમાંથી નીકળી ગયા હતા. પરંતુ ભાજપ હવે પાસવાનને એનડીએમાં પરત લાવવા માગે છે. એલજેપીના ભાગ પડ્યા હતા અને ચિરાગ પાસવાન નબળા પડ્યા હતા. તેમના કાકા પશુપતિ કુમારી પારસ હાલમાં કેન્દ્રીય પ્રધાન છે. જોકે ચિરાગ પાસવાને પાર્ટીની વફાદાર મતબેન્કને જાળવી રાખી છે.

વિરોધ પક્ષો એકજૂથ થઈને ભાજપને લડત આપવાની વ્યૂહરચના ઘડવા માટે 17-18 જુલાઇએ બેંગલુરુમાં તેમની આવી બીજી બેઠક યોજી રહ્યાં છે. વિપક્ષની બેઠકના એક દિવસ પહેલા કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે કે તે સંસદમાં દિલ્હી વહીવટી સેવાઓ પરના કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ શરત મૂકી હતી કે જો કોંગ્રેસ આ વટહુકમ અંગે તેનું વલણ સ્પષ્ટ નહીં કે તો તે વિપક્ષની બેઠકમાં સામેલ થશે નહીં. કોંગ્રેસની સ્પષ્ટતા પછી AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આજે કોંગ્રેસે દિલ્હી વટહુકમ વિરુદ્ધ તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમે જાહેરાતને આવકારીએ છીએ. આનાથી AAP બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં હાજરી આપશે. જોકે ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજકીય હતાશા અને અનિશ્ચિતતા કોંગ્રેસને ઘેરી વળી છે.

વિપક્ષની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી સુપ્રીમો શરદ પવાર, ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમાર, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, જેએમએમના નેતા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો ઉદ્ધવ ઠાકરે અને લાલુ પ્રસાદ સહિતના ટોચના નેતાઓ સામેલ થયા હતા.

આ બેઠકમાં વિપક્ષના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે તથા કેન્દ્ર સામે સંયુક્ત આંદોલનની યોજના અંગે વિચારવિમર્શ થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની ડિનર મીટિંગ સાથે બે દિવસની બેઠકનો પ્રારંભ થયો હતો. મંગળવારે બીજી ઔપચારિક બેઠક યોજાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાઓ સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવા અને લોકસભાની બહુમતી બેઠકો પર એક વિપક્ષી ઉમેદવારો ઊભા કરવાની દરખાસ્ત અંગે ચર્ચા કરશે. સોમવાર સાંજે ડિનર બેઠક પહેલા મંત્રણાનો એજન્ડા નક્કી કરાશે. 2024ની ચૂંટણીઓ માટે વિપક્ષી ગઠબંધન માટે કોમન મિનિમમ પ્રોગ્રામ અને કોમ્યુનિકેશન પોઈન્ટ્સનો મુસદ્દો તૈયાર કરવા માટે એક પેટા સમિતિની રચના કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત રેલીઓ, સંમેલનો અને આંદોલનો સહિતના વિપક્ષનો સંયુક્ત પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક એક પેટા સમિતિની રચના કરવાની પણ યોજના છે. રાજ્યવાર ધોરણે બેઠકોની વહેંચણી નક્કી કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરવાની યોજના પણ છે. વિપક્ષી નેતાઓ ઈવીએમના મુદ્દે પણ ચર્ચા કરી શકે છે અને ચૂંટણી પંચને સુધારા સૂચવી શકે છે. આ બેઠકમાં વિપક્ષના ગઠબંધનનું નામ પણ નક્કી થવાની ધારણા છે.

23 જૂને પટનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે યોજેલી વિપક્ષી એકતા માટેની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ હાજરી આપી હતી. આ વખતે 26 પક્ષોના નેતાઓની અપેક્ષા રાખીએ છીએ. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ભાગલા અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. બંગાળની ચૂંટણીમાં હિંસાને બીજા ટીએમસી તથા કોંગ્રેસ-ડાબેરીઓએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.

 

LEAVE A REPLY