Passport and visa

શેન્ઝેન વિઝા ઇન્ફો દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે, ભારતીયોના શેન્ઝેન વિઝા રીજેક્ટ થવાને કારણે તેમને 2022માં અંદાજે રૂ. 90 કરોડનું નુકસાન થયું હતું. સર્વેના રીપોર્ટ મુજબ, શેન્ઝેન વિઝા લેવા માટે ભારતીયોએ મોટી સંખ્યામાં અરજીઓ કરી હતી, જેના પરિણામે વિઝા રીજેક્ટ થવાનું પ્રમાણ પણ વધ્યું હતું.

પરિણામોમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સમગ્ર વિશ્વમાં શેન્ઝેન વિઝાના રીજેક્શનમાં ભારત હજુ પણ બીજા ક્રમે છે, ગત વર્ષે એક લાખથી વધુ અરજદારોને વિઝા આપવાનો ઇનકાર કરાયો હતો, જેના કારણે રદ કરવી પડેલી મુસાફરીમાં 87 કરોડ જેટલું નુકસાન પણ થયું હતું.
2022માં ભારતમાંથી 671,928 વિઝા અરજીઓ થઇ હતી અને તેમાંથી 18 ટકા (121,188) અરજીઓ નામંજૂર કરાઈ હતી. અરજી નકારવાનો દર 2021ના 23.3 ટકાના દર કરતા ઓછો હોવા છતાં, તે 2022માં 17.9 ટકાના વૈશ્વિક સરેરાશ દર કરતા વધુ છે.

ભારતમાં, સામાન્ય પાસપોર્ટ સાથે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો માટે અરજી ફી રૂ. 7200 છે. 12 વર્ષથી નીચેના બાળકો, વિદ્યાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય રાષ્ટ્રોના નાગરિકો માટે ફીના દર અલગ છે.

2022માં, ભારતે વિઝા અરજીઓમાં અંદાજે રૂ. 480 કરોડનું રોકાણ કર્યું હતું અને નામંજૂર થયેલ 121,188 અરજીઓના કારણે અંદાજે રૂ. 87 કરોડ ગુમાવ્યા હતા.

વિઝા અરજીઓ ફગાવવામાં અલ્જીરીઆના નાગરિકો પ્રથમ સ્થાને છે, ત્યાંથી થયેલી 392,478 વિઝા અરજીઓમાંથી 179,409 નકારાઈ હતી. અલ્જીરીઆ પછી અનુક્રમે ભારતની (121,188) અને તુર્કી (120,876)ની અરજીઓ નકારાઈ હતી.

મોરોક્કો (119, 346) અને રશિયાના (68,753) નાગરિકોની પણ વિઝા અરજી ફગાવવામાં આવી હોય તેવી સંખ્યા વધુ છે. ટ્યુનિશિયામાંથી 48,909 અરજીઓ ફગાવવામાં આવી હતી અને યુએઇમાંથી 42,105 અરજીઓનો અસ્વીકાર થયો હતો.

શેન્ઝેન વિઝા મેળવવા મુશ્કેલ હોવાનું મનાય છે. શેન્ઝેનમાં 26 યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, જેમાં બેલ્જિયમ, ચેક રીપબ્લિક, ડેનમાર્ક, જર્મની, ઇસ્ટોનીઆ, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટલી, લેટવીઆ, લિથુઆનીઆ, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ, સ્વીડન, આઇલેન્ડ, લિચેનસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY