પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા ભારતના 24 વર્ષના વિદ્યાર્થીનું કાર ઉઠાંતરી કરતી ગેંગે કરેલા હુમલામાં કરુણ મોત થયું હતું. ગુરવિન્દર નાથ 9 જુલાઈના રોજ સવારે 2:10 વાગ્યે મિસિસોગાના બ્રિટાનિયા અને ક્રેડિટવ્યુ રોડ પર પિઝા ડિલિવરી કરી રહ્યો હતો, ત્યારે  અજાણ્યા શંકમંદોએ તેના પર હુમલો કર્યો હતો અને કાર ઉઠાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

પીલ રિજનલ પોલીસના હોમિસાઈડ બ્યુરોના ઈન્સ્પેક્ટર ફિલ કિંગે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ માને છે કે આ હુમલામાં એક કરતાં વધુ શંકાસ્પદો સામેલ છે અને ડ્રાઇવરને ચોક્કસ વિસ્તારમાં લચાવવા માટે ફૂડનો ઓર્ડર અપાયો હતો. તપાસકર્તાઓએ હુમલા પહેલા પિત્ઝા ઓર્ડરનું ઓડિયો રિકોર્ડિંગ પ્રાપ્ત કર્યું છે.

ગુરવિન્દર નાથ આવ્યા પછી હિંસક હુમલો કરાયો હતો તથા હુમલાખોર વાહન લૂંટીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આજુબાજુના લોકો મદદે આવ્યા હતાં અને ગુરવિન્દરને ટ્રોમ સેન્ટરમાં દાખલ કર્યો હતો, જ્યાં 14 જુલાઇએ તેનુ મોત થયું હતું.

ટોરોન્ટોમાં ભારતના કોન્સલ જનરલ સિદ્ધાર્થ નાથે જણાવ્યું હતું કે નાથનું મૃત્યુ એ હૃદયસ્પર્શી ખોટ છે. તેમણે પરિવારના સભ્યો, મિત્રો અને સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કોન્સલ જનરલે આ વિદ્યાર્થીના પરિવારજનોનો પણ સપર્ક કર્યો હતો.

હુમલા થોડા કલાકો પછી ઓલ્ડ ક્રેડિટવ્યુ અને ઓલ્ડ ડેરી રોડ વિસ્તારમાં ગુરવિન્દર નાથનું વાહન ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. આ સ્થળ ગુનાના સ્થળથી માત્ર પાંચ કિમી દૂર છે. પોલીસ માને છે કે હુમલાખોરોને લાગ્યું હશે કે વિદ્યાર્થીને વધુ ઇજા થઈ છે, તેથી તેમણે વાહનથી છૂટકારો મેળવ્યો હશે.

ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની મદદથી આ વિદ્યાર્થીનો પાર્થિવ દેહને 27 જુલાઈએ ભારતમાં લાવવાની વ્યવસ્થા કરાઈ હતી. ગુરવિન્દર એક બિઝનેસ સ્કૂલના ફાઇનલ સેમેસ્ટરમાં હતો અને બ્રેમ્પ્ટનમાં રહેતો હતો.

 

 

 

LEAVE A REPLY