પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય સાધનો અને રોકડમાં તેમના રોકાણમાં ઘટાડો કરીને સોના માટે વધુ ફાળવણી કરી હતી, એવું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ના એક અભ્યાસમાં બહાર આવ્યું હતું.

‘ગોલ્ડ ઇન હોમ પોર્ટફોલિયો ડ્યુરિંગ એ પેન્ડેમિક: એવિડન્સ ફ્રોમ એન ઇમર્જિંગ ઇકોનોમી’ નામનો આઇઆઇએમનો આ અભ્યાસ 30 જૂને તેની વેબસાઇટ પર પ્રકાશિત કરાયો હતો. આ અભ્યાસમાં 21 રાજ્યોના 142 જિલ્લાઓને આવરી લેવાયાં હતાં.

ભારત જ્વેલરીના સ્વરૂપમાં સોનાની ખરીદી કરતો વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રાહક છે અને ભારતના પરિવારો તેમના કુલમાંથી 11 ટકા રોકાણ સોનામાં કરે છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ 1,000ની વસતિ દીઠ કોરોના કેસના સંદર્ભમાં ટોચના જિલ્લાના પરિવારો સોના તરફ વળ્યાં હતા. આ જિલ્લાના પરિવારોના સેવિંગ પોર્ટફોલિયોમાં ગોલ્ડનો હિસ્સો બીજા જિલ્લાની સરખામણીમાં 6.9 ટકા વધુ રહ્યો હતો. બીજી તરફ અન્ય નાણાકીય સાધનોમાં તેમના રોકાણમાં 4.1 ટકાનો ઘટાડો થયો હતો.

અભ્યાસમાં જણાવ્યા અનુસાર સંભવ છે કે જે ઘરોમાં સોનામાં બચતનો હિસ્સો ઓછો છે તેઓને કોરોનાની અનિશ્ચિતતાને કારણે મહામારી દરમિયાન સોનામાં વધુ બચત કરવાનું પ્રોત્સાહન મળ્યું હશે. કોરોનાની સૌથી વધુ આર્થિક અસર થઈ હતી તેવા જિલ્લામાં પણ આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આવા જિલ્લાના પરિવારોએ બીજા જિલ્લાની સરખામણીમાં સોના માટે 2.9 ટકા વધુ ફાળવણી કરી હતી.

અભ્યાસમાં અવલોકન કરાયું છે કે વધુ સારી બેન્કિંગ અને આરોગ્ય સુવિધા ધરાવતા જિલ્લાના પરિવારોનો સોના તરફનો ઝોક ઓછો રહ્યો હતો. વધુ સારી આરોગ્ય સુવિધાથી સોના માટેની ફાળવણીમાં ઘટાડો થયો હતો, કારણ કે વધુ સારી આરોગ્ય સુવિધાથી સેફ એસેટમાં સેવિંગ માટેની જરૂરિયાતમાં ઘટાડો થયો હશે.

LEAVE A REPLY

five × 3 =