વિશ્વ વિખ્યાત રામ કથાકાર અને આધ્યાત્મિક ગુરુ પ. પૂ. મોરારીબાપુની 12થી 20 ઓગસ્ટ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 9 દિવસીય કથાનો પ્રારંભ થયો છે. આ રામકથા સાથે ઐતિહાસિક ક્ષણનું સર્જન થશે કેમ કે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાંગણમાં પ્રથમવાર હિન્દુ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજમાં રામકથા યોજાઇ રહી છેશે. આ કથા ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિઓ વચ્ચેના લાંબાગાળાના સંબંધોના ઉત્સવરૂપે હોવાનું માનવામાં આવે છે. કેમ્બ્રિજ એક પ્રેરણાદાયી શહેર છે જે ઇતિહાસ, સંસ્કૃતિ અને વિશ્વમાં પરિવર્તન લાવનાર શોધોથી સમૃદ્ધ છે. તે વિશ્વની ત્રીજી સૌથી જૂની યુનિવર્સિટી-કેમ્બ્રિજ યુનિવર્સિટીનું ઘર છે અને અન્ય કોઈ પણ શહેર કરતા વધુ નોબેલ પારિતોષિક વિજેતાઓ ધરાવે છે.
ઘણાં વર્ષો પહેલાં, જ્યારે બાપુએ રામકથાઓ કરવા માટે યુકેની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેમની કથાઓ બિન-નિવાસી ભારતીયો માટે તેમના વતન સાથે જોડાવાનો એક માર્ગ હતી; તેમના બાળકોને સાંસ્કૃતિક ઉત્સવ, તેમની માતૃભાષા અને આસ્થા સમક્ષ પરિચિત કરવાની એક રીત હતી. વળી, નાની ઉંમરમાં જ જેમણે તેમની કથાઓ સાંભળવાનું શરૂ કર્યું હતું તેઓ હવે જાતે જ કથાનું આયોજન કરી રહ્યા છે.
કેમ્બ્રિજ ખાતે પણ આ રામકથા કાર્યક્રમનું આયોજન બ્રિટનના યુવાનો દ્વારા લોર્ડ ડોલર પોપટના સહયોગથી અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. બાપુની કથાએ તેમને એકરૂપ કર્યા છે તેમજ તેમના વચ્ચે જીવનભરની મિત્રતા તથા તેમની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે સહીયારા પ્રેમને વેગ આપ્યો છે. બાપુની યુકેમાં પ્રથમ કથા 1979માં થઈ હતી; છેલ્લે વેમ્બલી એરેનામાં 2017 માં યોજાયેલી કથા દરમિયાન દરરોજ લગભગ 10,000 શ્રોતાઓ આવતા હતા. હવે, છ વર્ષ પછી, બાપુ આ વખતે પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાર્યક્રમના ભાગરૂપે યુકેમાં પાછા ફર્યા છે.
રામ કથાનો આ કાર્યક્રમ સૌ માટે વહેલા તે પહેલાના ધારણે છે. આ કથા માટે પાર્કિંગની વ્યવસ્થા મેડિંગલી રોડ પાર્ક એન્ડ રાઇડ ખાતે કરવામાં આવશે, જ્યાં કથા સ્થળ સુધીના શટલની વ્યવસ્થા કરવામાં આવશે. તમામ ઉપસ્થિતોને શાકાહારી નાસ્તો અને બપોરનું ભોજન પીરસવામાં આવશે.
કેમ્બ્રિજ એ યુકે અને વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં, ભારતના ત્રણ વડા પ્રધાનો, જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને મનમોહન સિંઘ, કેમ્બ્રિજમાં ભણેલા હતા, તે જ રીતે શ્રી અરવિંદ, અમર્ત્ય સેન, સી. આર. રાવ, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ જેવા વિચારશીલ નેતાઓએ પણ ત્યાં અભ્યાસ કર્યો હતો. બાપુ અવારનવાર આવા નેતાઓનો ઉલ્લેખ કરે છે. આ કાર્યક્રમ પ્રાચીન ગ્રંથોની વૈશ્વિક અપીલને પણ પ્રદર્શિત કરશે, કે તે ભૌગોલિક અને સાંસ્કૃતિક સીમાઓને ઓળંગી જાય છે, જે વિશ્વભરના શ્રોતાઓને આકર્ષિત કરે છે. આ કથા હિન્દુ પરંપરા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણ વચ્ચેનું સાંસ્કૃતિક આદાનપ્રદાન છે, જે પરસ્પર સંવર્ધન અને સમજણ લાવે છે.