ભારતે શુક્રવારે હિંસાગ્રસ્ત નાઈજરમાં રહેતા પોતાના નાગરિકોને વધતી હિંસાને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી હતી. હાલમાં લગભગ 250 ભારતીયો નાઇજરમાં રહે છે. 26 જુલાઇએ આર્મી જનરલ અબ્દુરહેમાને ત્ચીઆનીએ નાઇજરમાં બળવો કરીને પ્રેસિડન્ટ મોહમ્મદ બઝૌમને ઉથલાવીને સત્તા કબજે કરી હતી અને તે પછીથી સતત હિંસા ચાલે છે.
એક એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે નાઈજરની મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે તેવા લોકોએ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમની યોજનાઓ પર પુનર્વિચાર કરવો જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે ભારત નાઈજરની ગતિવિધી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હાલમાં પરિસ્થિતિમાં ભારતીય નાગરિકો જેમની હાજરી જરૂરી નથી તેઓને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા બંધ છે. તેથી સરહદથી બહાર નીકળતા લોકોએ પૂરતી સુરક્ષા અને સાવધાની રાખવી જોઇએ. નિયામીમાં ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી નથી તેવા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઝડપથી નોંધણી કરાવે. ભારતીય નાગરિકો કોઈપણ સહાયતા માટે નિયામી ખાતેના ભારતીય દૂતાવાસ (+ 227 9975 9975)નો ઇમર્જન્સી સંપર્ક કરી શકે છે. ઘણા યુરોપિયન દેશોએ નાઇજરમાંથી તેમના નાગરિકોને બહાર કાઢ્યા છે.