ભારતીય બેટર અને ભારતીય ટીમમાં સ્થાન નહીં પામી શકેલા પ્રતિભાશાળી ગણાતા ખેલાડી પૃથ્વી શોએ ઈંગ્લિશ કાઉન્ટીમાં ગયા સપ્તાહે નોર્થમ્પટનશાયર તરફથી રમતા સમરસેટ સામેની વન-ડે મેચમાં ઝંઝાવાતી બેટિંગ કરી 153 બોલમાં 244 રન ખડકી દીધા હતા. એ લિસ્ટ ક્રિકેટમાં પૃથ્વીનો આ બેસ્ટ સ્કોર બની રહ્યો હતો. આ ઉપરાંત, પૃથ્વી આ ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોરર પણ બની ગયો છે. અગાઉ, 206 રન સાથે આ રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સનના નામે હતો.
28 ચોગ્ગા અને 11 છગ્ગાની આ ઝમકદાર ઈનિંગમાં પૃથ્વીએ 129 બોલમાં જ ડબલ સેન્ચુરી તો પુરી કરી હતી. બુધવારે (9 ઓગસ્ટ) રમાયેલી આ મેચમાં પૃથ્વીએ બે અલગ અલગ ટીમ તરફથી અને બે અલગ અલગ દેશમાં એ લિસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચુરીનો પણ રેકોર્ડ કર્યો હતો. તેની 244 રનની ઈનિંગ સાથે નોર્થમ્પ્ટનશાયરે 8 વિકેટે 415 રનનો અધધ સ્કોર કર્યો હતો. તેના જવાબમાં સમરસેટ 328 રન કરી શકી હતી અને 87 રને પરાજય થયો હતો.