આધુનિક બોલીવૂડમાં દંતકથા સમાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે 80 વર્ષની ઉંમર છતાં ટોચનાં અભિનેતાઓ કરતાં પણ વ્યસ્ત રહે છે. સાડા છ દાયકાની ઝળહળતી કારકિર્દી ધરાવતા બીગ બીને ભારતીય મનોરંજન ઉદ્યોગનાં આદર્શ માનવામાં આવે છે. પાકટ વય અને નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ એ જ જુસ્સાથી કામ કરે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ફિલ્મો, બ્રાન્ડ પ્રમોશનિંગ તથા કેબીસી-15ના શૂટિંગમાં વ્યસ્ત છે.
અમિતાભનાં અનેક સમકાલીન હીરો આજે હયાત નથી અને જે છે તે વર્ષો પહેલાં નિવૃત્ત થઈ ગયા છે પરંતુ અમિતાભ આજે પણ અડીખમ છે. તેમની નવી ફિલ્મોમાં પ્રભાસ અને નાગ અશ્વિન દિગ્દર્શિત ‘કલ્કી 2989 એડી’, ‘ગણપત’, ‘સેક્શન 84’, ‘રણભૂમિ’, ‘હસમુખ પિઘલ ગયા’, ‘શૂબાઇટ’, ‘આંખે-2’, ‘ધ લીજન્ડ ઓફ કુનાલ’, ‘બુદ્ધમ શરણમ ગચ્છામિ’ અને આર. બાલ્કની ફિલ્મનો સમાવેશ થાય છે. તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી કોમિક-કોન ઇવેન્ટમાં તેમણે હાજરી આપી હતી. એ અગાઉ એક ફિલ્મનાં સ્ટન્ટ સીનના શૂટિંગ દરમિયાન તેમને ઇજા થતાં સર્જરી કરાવવી પડી હતી. અગાઉ પણ કેટલીક ફિલ્મોના શૂટિંગ વખતે તેમને ઇજા થઈ ચૂકી છે. ડોક્ટરોએ તેમને અનેક વાર આરોગ્ય અંગે સાવચેત રહેવા અને ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ લેવાનું સૂચન કર્યું છે. પણ અમિતાભ શક્ય હોય ત્યાં સુધી કાર્યરત રહેવા ઇચ્છે છે. અમિતાભે તેમની કારકિર્દી દરમિયાન ઇન્ટેન્સ ડ્રામા, કોમેડી, એક્શન જોનરમાં યાદગાર અભિનય કર્યો છે.
ઓડિયન્સ સાથે કનેક્ટ કરવાની અને કેરેક્ટર્સને પડદા પર તાદૃશ્ય કરવાની તેમની ક્ષમતાને કારણે પાંચ દાયકાથી તેઓ પ્રશંસકો અને સમીક્ષકોનાં માનીતા કલાકાર રહ્યા છે. અમિતાભ તેમનાં અભિનય કૌશલ્ય ઉપરાંત નીતિમત્તા અને પ્રોફેશનાલિઝમ માટે જાણીતા છે. તેઓ દરેક પ્રોજેક્ટ પર એ જ ઉત્સાહ અને ઊર્જાથી કામ કરતા હોવાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આજે પણ તેમની ડીમાન્ડ જળવાઈ રહી છે. ફિલ્મોમાં અમિતાભ તેમનાં પાત્ર દ્વારા આકર્ષણ ઊભું કરતા હોવાથી દિગ્દર્શકો તેમને પોતાની ફિલ્મમાં લેવા ઉત્સુક રહેતા હોય છે.