BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં છેલ્લાં એક મહિનાથી ઉજવાઇ રહેલાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ” અંતર્ગત, 19 ઓગસ્ટના રોજ ‘સ્વામી મળવાથી’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘કિશોર-કિશોરી દિન’ તરીકે ઉજવાયેલા આ કાર્યક્રમમાં કિશોર-કિશોરીઓએ તેમના જીવનમાં ગુરુ મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રભાવ અને માર્ગદર્શન વિશે વાત કરી હતી. ગુરુ જીવનમાં પ્રત્યેક ક્ષણે મિત્ર અને માર્ગદર્શક બની શિષ્યનું દિશાદર્શન કરતા રહે છે. શિષ્યનો પોતાના ગુરુ સાથેનો સંબંધ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે, આમૂલ પરિવર્તન પણ લાવે છે. ગુરુનો મહિમા યથાર્થ સમજીને શિષ્ય સાચા અર્થમાં કેવી રીતે ગુરુ સાથે પોતાનું જોડાણ કરી શકે તેના ઉપર આ કાર્યક્રમમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આરંભિક સત્રમાં યુવતીઓ દ્વારા પ્રેરક સ્વાનુભાવો રજૂ થયાં, જેમાં તેમણે જણાવ્યું કે ગુરુ સાથેના આધ્યાત્મિક જોડાણમાં સ્થૂળ અંતર બાધા ઉત્પન્ન કરી શકતું નથી. જીવનમાં સુખ-દુ:ખના સમયમાં કરાતી પ્રાર્થના હોય, ગુરુના આદેશથી કરાતી સેવા હોય કે પછી ગુરુના વિચરણના પ્રસંગો અને તેની સ્મૃતિઓ હોય – આ તમામ દ્વારા કેવી રીતે જીવનમાં ગુરુનું સાનિધ્ય અનુભવી શકાય તે વિષયક રજૂઆત કરવામાં આવી હતી.

રોબિન્સવિલ ટાઉનશિપ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડેબોરા બ્લેકલીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “જીવનમાં જે કાર્યમાં તમને સુખ અને સાર્થકતાનો અનુભવ થાય, જેમાં તમને ઉત્સાહ હોય, તેવા કાર્યને ઓળખો. તેના દ્વારા તમે આસપાસના સમુદાયમાં, જેમકે શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રમાં પ્રદાન કરી શકો છો અને આધ્યાત્મિક સેવા પણ કરી શકો છો.”

આ કાર્યક્રમમાં અન્ય અતિથિઓમાં એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)ના પ્રેસિડેન્ટ ભરત પટેલ, ટીવી એશિયાના અધ્યક્ષ અને સીઈઓ પદ્મશ્રી ડો. એચ. આર. શાહ, રોકેટ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ ડો. ગૌરવ શાહ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સહ-સ્થાપક અને પ્રમુખ ચિરાગ પટેલ, ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું, “ જીવનમાં સુખ- દુ:ખ તો આવશે અને જશે, પરંતુ જો તમારી દ્રષ્ટિ આધ્યાત્મિક પ્રાપ્તિ ઉપર હશે તો આવા સુખ- દુ:ખ તમને વિચલિત નહીં કરી શકે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments