અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં રહેતા ઓછામાં ઓછા 60 ટકા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) નિવૃત્તિ પછી ભારતમાં પાછા ફરવાનું વિચારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં રહેલા 80 ટકા NRI, યુએસમાં રહેતા 75 ટકા, યુકેમાં રહેતા 70 ટકા અને કેનેડામાં રહેલા 63 ટકા NRI નિવૃત્તિ પછી ભારત પરત ફરવાનું વિચારી રહ્યા છે, એમ ફિનટેક પ્લેટફોર્મ SBNRIના તાજેતરના સર્વેક્ષણમાં જણાવાયું હતું.
તેઓ માને છે કે કોવિડ-19 પછી ભારતીય અર્થતંત્ર વધુ પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. તેઓ જે સમયે ભારત છોડીને વિદેશ ગયા હતા તેની સરખામણીમાં ભારત નાણાકીય રીતે, સગવડોની રીતે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ ઘણું બદલાઈ ગયું હોવાથી તેઓ ભારત આવી રહ્યા છે. 30થી 50 વર્ષની ઉંમરના છે તેઓ અત્યારે સ્વદેશ આવવા માગતા નથી. કારણ કે તેમની નિવૃત્તિને હજુ વાર છે. પરંતુ જીવનના પાછલા વર્ષોમાં તેઓ વિદેશમાં રહેવા કરતા ભારતને વધારે પસંદ કરે છે કારણ કે ફાઈનાન્શિયલી અહીં વધુ ફાયદો છે.
ઘણા NRIનું કહેવું છે કે તેમને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે અને તેમણે એડવાન્સમાં પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. અમેરિકામાં વસતા 54 ટકા ભારતીયો અને કેનેડામાં વસતા 44 ટકા ભારતીયોએ રિટાયરમેન્ટના થોડા વર્ષો અગાઉથી ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી દીધું છે. તેમાં તેઓ શેરબજાર, રિયલ્ટી, કોમર્શિયલ પ્રોપર્ટી સહિતના ઓપ્શનમાં રૂપિયા રોકે છે. UKમાં વસતા 35 ટકા અને સિંગાપોરમાં 45 ટકા NRIએ પણ આવી જ રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરી નાખ્યું છે.
કેનેડા, યુકે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોનું કહેવું છે કે તેઓ ઓછા ખર્ચે જીવવા માટે અને પોતાના કલ્ચરની નજીક રહેવા માટે સ્વદેશ આવવા માંગે છે. તેઓ પોતાના પરિવારજનો સાથેના સંબંધો જાળવવા માંગે છે. ભારતની હેલ્થકેર સુવિધાઓ પણ તેમને માફક આવે છે અને ઈન્વેસ્ટમેન્ટ માટે અહીં ઘણી તક રહેલી છે. ભારતમાં થોડા સમય અગાઉ ટેક્સનું માળખું ઘણું જટિલ હતું. પરંતુ હવે ટેક્સ સ્ટ્રક્ચર અગાઉ કરતા વધુ સરળ છે. તેના કારણે તેઓ ભારતમાં વધારે ઉંચા રિટર્નની અપેક્ષા રાખી શકે છે.