HMRCના જણાવ્યા અનુસાર દેશના ટોચના 500,000 કરદાતાઓએ 2023/24ના ટેક્સ યરમાં £93.8 બિલિયન ટેક્સનું યોગદાન આપ્યું હતું. જ્યારે ટોચના 100,000 લોકોએ કુલ કર ભંડોળના લગભગ પાંચમા ભાગ જેટલો એટલે કે £54.9 બિલિયન ટેક્સ ચૂકવ્યો હતો. ગયા વર્ષે આવકવેરા અને કેપિટલ ગેઇન ટેક્સ (CGT) દ્વારા એકત્રિત કરવામાં આવેલી કુલ રકમના લગભગ ત્રીજા ભાગ માટે યુકેના ટોચના 1 ટકા કરદાતાઓ જવાબદાર હતા.
નોન-એડવાઇઝરી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ, વેલ્થ ક્લબ દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન અંતર્ગત માહિતી અપવા કરેલી વિનંતીને પગલે આ માહિતી બહાર આવી હતી.
વેલ્થ ક્લબના સ્થાપક અને સીઇઓ એલેક્સ ડેવિસે કહ્યું હતું કે “આ તારણો શ્રીમંતોને યુકેમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે. વ્યક્તિઓનો ખૂબ જ નાનો સમૂહ દેશની કરવેરાની આવકના અપ્રમાણસરના મોટા હિસ્સા માટે જવાબદાર છે. સફળ લોકોને આકરો ટેક્સ ભરાવી દંડ કરવાને બદલે, આપણે એક સ્થિર અને આકર્ષક વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં ઉદ્યોગસાહસિકો અને સંપત્તિ ઉત્પન્ન કરનારાઓ રહેવાનું, રોકાણ કરવાનું અને રાષ્ટ્રની લાંબા ગાળાની સફળતામાં યોગદાન આપવાનું પસંદ કરે.”
પણ એપ્રિલમાં, સરકારે નોન-ડોમિસાઇલ રેસિડેન્ટ સ્કીમ નાબૂદ કરી હતી. આ યોજના અંતર્ગત જે લોકો યુકેમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા હોય તેમણે તેમની વૈશ્વિક કમાણી પર આવક અને કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. જો તેઓ વધુ સમય માટે રહે છે, તો વિદેશમાં વસાવેલી તેમની અન્ય સંપત્તિઓ પણ ઇનહેરિટન્સ ટેક્સને પાત્ર બનશે.
