ગદર 2ની સફળતાના કારણે બોલીવૂડમાં સન્ની દેઓલનું સ્થાન ફરીથી મજબૂત બન્યું છે. 2001માં રિલીઝ થયેલી ગદરઃ એક પ્રેમકથાની સીક્વલ 22 વર્ષ પછી પણ બ્લોકબસ્ટર રહી છે. આ ઉપરાંત સન્નીની અન્ય એક ફિલ્મ બોર્ડર પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી,
જોકે ઘણા લાંબા સમયથી બોર્ડની સીક્વલ અંગે ચર્ચા થાય છે. હવે બોર્ડરની સીક્વલ પણ ફાઈનલ થઈ છે. આ સીક્વલમાં સની દેઓલનો લીડ રોલ ફાઈનલ છે. પરંતુ જેકી શ્રોફ, અક્ષય ખન્ના જેવા બોર્ડરના અન્ય સ્ટાર્સ અંગે અનિશ્ચિતતા છે. સની દેઓલે એક ઈન્ટરવ્યૂમાં બોર્ડર 2 અંગે કહ્યું હતું કે, અગાઉ 2015ના વર્ષમાં પણ બોર્ડરની સીક્વલ બનાવવા પ્રયાસ કર્યો હતો.
તે સમયે મારી ફિલ્મો ખાસ ચાલતી ન હતી. તેથી લોકો ગભરાઈને દૂર ભાગતા હતા. હવે બધા બોર્ડર 2 બનાવવા ઇચ્છે છે. બોર્ડરમાં જે.પી. દત્તાનું ડાયરેક્શન અને પ્રોડક્શન હતું. તેમાં સુનિલ શેટ્ટી, પુનિત ઈસ્સાર, કુલભુષણ ખરબંદા, તબુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબાની મુખરજી પણ મહત્ત્વના રોલમાં હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલાની લડાઈને આ ફિલ્મમાં રજૂ કરાઈ હતી. 26 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ લોકપ્રિયત સાબિત થઈ હતી.
બોર્ડર 2ના પ્રોજેક્ટની સ્ટોરી ફાઈનલ છે, પરંતુ સ્ક્રિપ્ટનું કામ હજુ બાકી છે. જે.પી. દત્તાની સાથે તેમની પુત્રી નિધિ દત્તા તેનું પ્રોડક્શન કરશે. જોકે, તેમાં અગાઉની ફિલ્મના તમામ કલાકારોની ફરીથી સ્થાન મળે તેવી સંભાવના ઓછી છે. હવે તેમાં આધુનિક જમાનાના લોકપ્રિય કલાકારોને લેવાશે. બોર્ડરની જેમ તેની સીક્વલ પણ મલ્ટિસ્ટાર અને મોટા બજેટની હશે.
—————————-