મહિલા અનામત બિલને સંસદની મંજૂરી મળતા મહિલાઓએ ઉજવણી કરી હતી. (ANI Photo)

લોકસભા અને રાજયોની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાતમની જોગવાઈ કરતાં ‘નારી શક્તિ વંદન બિલ’ લાંબી ચર્ચા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થવાની સાથે તેને  સંસદના બંને ગૃહોની ઐતિહાસિક બહાલી મળી હતી. ગુરુવારે રાજ્યસભામાં આશરે રાત્રે 10 વાગ્યા મતદાન થયું હતું. તમામ 215 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. તેની વિરુદ્ધમાં એકપણ મત પડ્યો ન હતો. આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી કાયદો બનશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતની સફરની સુવર્ણ પળ ગણાવી હતી.

અગાઉ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના સભ્યોએ નવી વસ્તી ગણતરી અને સીમાંકન કવાયતની રાહ જોવાને બદલે આ પ્રક્રિયાને વેગ આપવાની જરૂરિયાત દર્શાવી હતી. JD(U)ના રામનાથ ઠાકુરે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ લાવવાના સમય પર સવાલ ઉઠાવ્યા હતાં. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાંસદ કે કેશવ રાવે મહિલા અનામત માટેની પ્રક્રિયાને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂકીને કહ્યું કે હતું કે 2011ની વસ્તી ગણતરીને માપદંડ તરીકે લઈ શકાય છે.

ભાજપના સરોજ પાંડેએ જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે બિલ લાવવાના સમય અને ઉદ્દેશ્ય પર પ્રશ્નો ઉભા થયા છે. દેશ ‘અમૃત કાલ’ ઉજવે છે, ત્યારે આવા કાયદા માટે આ આદર્શ ક્ષણ છે. આસોમ ગણ પરિષદના સાંસદ બિરેન્દ્ર પ્રસાદ બૈશ્યાએ નોંધ્યું હતું  કે ભૂતકાળમાં નિષ્ફળ પ્રયાસો બાદ મહિલા અનામત બિલ યોગ્ય સમયે આવ્યું છે. જેડી(એસ)ના નેતા એચડી દેવેગૌડાએ પણ બિલને સમર્થન આપ્યું હતું અને તેઓ કર્ણાટકના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન હતા ત્યારે મહિલા અનામત માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંને યાદ કર્યાં હતા.

આરજેડીના મનોજ ઝાએ માગણી કરી હતી અન્ય પછાત વર્ગોને સમાન લાભ આપવા અંગે વિચારણા કરવા માટે આ બિલ સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવે. વી વિજયસાઈ રેડ્ડી (વાયએસઆરસીપી)એ પણ બિલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે મહિલાઓ માટે અનામત રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદોમાં પણ લાવવી જોઈએ. કોંગ્રેસના કેસી વેણુગોપાલે આ કાયદાને તાત્કાલિક લાગુ કરવાની અને ઓબીસી મહિલાઓ માટે અનામતની પણ માંગ કરી હતી. વેણુગોપાલે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા નવ વર્ષમાં બિલ લાવવા માટે કોઈ પ્રયાસ કર્યા નથી અને રાજકીય ગણતરીઓને કારણે છે કે સરકાર હવે કાયદો લાવી છે. કોંગ્રેસના રજની અશોકરાવ પાટીલ અને ટીએમસીના મૌસમ નૂરે પણ બિલને સમર્થન આપ્યું હતું.

CPI(M)ના એલામારામ કરીમે બિલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ભાજપે 2014 અને 2019માં પણ મહિલા અનામત બિલ લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ પગલાં લીધાં ન હતાં. કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા અને દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીમાં પરાજય પછી આ ભાજપની ચૂંટણી વ્યૂરચના છે. મણિપુરમાં મહિલાઓ સામેની હિંસા અને મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપોને ટાંકીને કરીમે આક્ષેપ કર્યો હતો કે સરકાર મહિલાઓની કોઇ કાળજી લેતી નથી.

 

LEAVE A REPLY